ગુજરાત
News of Friday, 9th December 2022

ગુજરાતમાં ‘આપ', ‘કોંગ્રેસ' અને ચૂંટણી શાંતિથી પતી ગઇ

ચૂંટણી પરિણામ બાદ સોશ્‍યલ મીડિયા પર જાતજાતના મેસેજ વાયરલ થયા : હિમાચલમાં કોંગ્રેસ ખુશ, દિલ્‍હીમાં આપ ખુશ, ગુજરાતમાં ભાજપ ખુશઃ હવે આપણે ધંધે લાગી જાઓઃ જીઇબીની ઓફિસ પર લાઇટ બિલ ભરવા લાઇનો લાગી

નવી દિલ્‍હી, તા.૯: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટુંયોગદાન સોશિયલ મીડિયાનું રહ્યું છે. કેમ કે તમામ ઉમેદવારોએ મતદાન પ્રક્રિયાની છેલ્લી મિનિટ સુધી સોશિયલ મીડિયા પર પોતાનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. પરિણામના દિવસે પણ જુદી જુદી બેઠકોના ઉમેદવારોની હાર-જીતના સમાચાર ઉપરાંત ઘણા ખૂબ જ વ્‍યંગાત્‍મક મેસેજ પણ વાયરલ થયા હતા. જેમાં ફ્રી ઇલેક્‍ટ્રિસિટીની જાહેરાત કરનાર કેજરીવાલની આમ આદમી પાર્ટીના મુખ્‍યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવી,  ઇટાલિયા અને કથીરિયાની હાર થતાં સૌથી વધુ એ મેસેજ વાયરલ થયો હતો કે હવે જાતે જ પોતાના લાઇટ બિલ ભરી દો, જીઇબીની ઓફિસે લાઇટ બિલ ભરવા લાઇનો લાગી ગઇ. આ ઉપરાંત, કીર્તિદાન ગઢવીના ડાયરાથી પ્રખ્‍યાત થયેલો ‘કમો' ઘણી વખત ચૂંટણી પ્રચારની રેલીઓમાં પણ જોવા મળ્‍યો હતો. માટે ડાયરામાં ‘કમો' અને દેશમાં ‘નમો'નો મેસેજ પણ વાયરલ થઇ રહ્યો છે. આપ તથા કોંગ્રેસના કારમા પરાજયથી કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતાઓ અને આપના નેતાઓ એક છકડામાં બેસીને વિદાય લઈ રહ્યા હોવાનો ફોટો મોર્ફ કરેલો પણ ખાસ્‍સો વાયરલ થયો છે.

વાયરલ થયેલા મેસેજ

(4:16 pm IST)