ગુજરાત
News of Thursday, 8th December 2022

ભાજપના ઉમેદવાર કૌશિક જેનનો દરીયાપુર સીટ પરથી વિજય: કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખનો પરાજય

મુસ્લિમ મતો નિર્ણાયક હોવા છતાં ગ્યાસુદ્દિન શેખની હાર થતાં કોગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો

અમદાવાદ :કોગ્રેસના દિગ્ગજ મુસ્લિમ નેતા ગ્યાસુદ્દિન શેખ હારી ગયા છે,ભાજપના ઉમેદવાર કૌશિક જેનનો દરીયાપુર વિધાનસભા સીટ પરથી વિજય થયો છે. દરિયાપુર વિધાનસભા સીટ પર મુસ્લિમ મતદારો પ્રભુત્વ ધરાવે છે.છતાં ભાજપના કૌશિક જૈનનો વિજય થયો છે.

 કૌશિક જૈનને દરિયાપુર વિધાનસભા સીટ પરથી 49 ટકા મતો મળ્યા છે. જ્યારે ગ્યાસુદ્દિન શેખને 44 ટકા મતો મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3 ટકા કરતાં વધુ મતો મળ્યા હતા. મુસ્લિમ મતો નિર્ણાયક હોવા છતાં ગ્યાસુદ્દિન શેખની હાર થતાં કોગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે.

ગ્યાસુદ્દિન શેખ 2017માં ભાજપના ભરત બારોટને હરાવીને દરિયાપુર વિધાનસભા સીટ પર વિજેતા બન્યા હતા. આમ તો દરિયાપુર વિધાનસભા ભાજપની પંરપરાગત બેઠક છે. જો કે 2012 અને 2017ની ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભા સીટ પર કોગ્રેસના ગ્યાસુદ્દિન શેખ વિજય થયા હતા.

જો કે 2022ની ચૂંટણીમાં ભાજપે ફરી દરિયાપુર સીટ પર કબ્જો મેળવ્યો છે. ગ્યાસુદ્દિન હારનું કારણ લોકોની નારાજગી છે. આ ઉપરાંત મુસ્લિમ અને હિન્દુ મતોનું વિભાજન ગ્યાસુદ્દિનનું હારનું કારણ કહી શકાય. આ બેઠક 90 હજાર મુસ્લિમ મતદારો છે. જ્યારે 1 લાખ 20 હજાર કરતાં વધુ હિન્દુ મતદારો છે. 2022માં ભાજપ હિન્દુ મતોનું વિભાજન થતાં અટકાવવામાં સફળ રહી જેનો સીધો ફાયદો કૌશિક જૈનને થયો છે.

ગ્યાસુદ્દિન શેખ 2012માં કોગ્રેસમાંથી દરિયાપુર વિધાનસભા સીટ પર ચૂંટણી લડ્યા હતા. 2012માં ગ્યાસુદ્દિનને 60,967 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભરત બારોટને 58,346 મતો મળ્યા હતા. તેવી જ રીતે 2017ના પરિણામની વાત કરીએ તો, ગ્યાસુદ્દિન શેખને 63,712 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 57525 મત મળ્યા હતા.

જ્યારે 2022માં ગ્યાસુદ્દિન શેખને 55 હજાર કરતાં વધારે મત મળવા છતાં હાર થઇ છે. આમ તો 2002ના રમખાણો બાદ પણ દરિયાપુર સીટ પર ભાજપનો વિજય થયો હતો. ભાજપના ભરત બારોટ આ સીટ પર ત્રણ થી ચાર વાર વિજેતા બન્યા હતા.

(12:35 am IST)