ન્યુ યર પાર્ટીવાળા ચેતજો : પ્યાસ પર પોલીસનો પહેરો : જેતપુર -પોરબંદર હાઈ વે પરથી દારુ ભરેલી ટ્રક ઝડપાઇ
મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો ગેરકાયદે જથ્થો સૌરાષ્ટ્રમાં ઉતારાયો!: રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ એલર્ટ
અમદાવાદ :ડીસેમ્બરના અંતિમ સપ્તાહને મન ભરીને માનવાની તૈયારી રાજકોટના યુવાઓ કરી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી છે. વર્ષના અંતિમ દિવસો અને છેલ્લા બે વર્ષથી કોરોનાની પાબંદીના કારણે, યુવાઓ છૂટથી પાર્ટીની મોજ નહોતા માણી શકતા. પરંતુ આ વખતે કોઈ એવી ચુસ્ત ગાઈડ લાઈન હજુ સુધી સામે ના આવતા 'પ્યાસીઓ' ગેલમાં છે. 31 ડિસેમ્બરને માણવા અને દારુ પાર્ટી પર પોલીસે બાજ નજર રાખી છે. જેતપુર -પોરબંદર હાઈ વે પરથી પોલીસે દારુ ભરેલી ટ્રક ઝડપી લઈને, આ પંથકના યુવાઓની પ્યાસ પર પહેરો ગોઠવી દીધો છે. પોલીસને મળેલી માહિતી પ્રમાણે, બહુ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો ગેરકાયદે જથ્થો સૌરાષ્ટ્રમાં ઉતારાયો છે.
બાતમીથી રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ અલર્ટ થઇ ગઈ છે અને ગેરકાયદે દારૂના જથ્થાનું પગેરું દબાવી રહી છે. જો કે, રાજ્ય સરકાર પણ ડીસેમ્બરના અંતિમ સપ્તાહને લઈને કેટલીક કડક માર્ગદર્શિકા જાહેર કરી શકે છે.