ગુજરાત
News of Monday, 8th August 2022

ડિફેન્સ એક્સપોની તારીખો જાહેર : તા. 18 થી 22 ઓક્ટોબર વચ્ચે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિફેન્સ એક્સપોનું ઉદ્ધાટન કરવામાં આવશે : કોરોનાની ત્રીજી લહેરના કારણે જાન્યુઆરીમાં આયોજન રખાયું હતું મોકૂફ

અમદાવાદ તા.08 : ગુજરાતના આંગણે યોજાનાર ડિફેન્સ એક્સપો મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. ડિફેન્સ એક્સપોની તારીખો જાહેર કરવામાં આવી છે. તારીખ 18 થી 22 ઓક્ટોબર વચ્ચે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિફેન્સ એક્સપોનું ઉદ્ધાટન કરવામાં આવશે. જોકે, કોરોનાની ત્રીજી લહેરના કારણે જાન્યુઆરીમાં આયોજન મોકૂફ રખાયું હતું.

ડિફેન્સ એક્સપોનું આયોજન આ વર્ષે 18 થી 22 ઓક્ટોબરના ગાંધીનગરમાં કરવામાં આવી રહ્યું છે.

રક્ષા મંત્રાલયે સોમવારે આ જાણકારી આપતા જણાવ્યું કે, આ વર્ષના DefExpo પ્રતિષ્ઠિત દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શનની 12મી આવૃત્તિ હશે. આ પહેલા ડિફેન્સ એક્સપોનું આયોજન 10 થી 14 માર્ચ વચ્ચે ગાંધીનગરમાં જ થવાનું હતું. પરંતુ, મંત્રાલય કાર્યક્રમ સ્થગિત કરતા જણાવ્યું હતું કે, સહભાગીઓ લોજિસ્ટિક સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.

મંત્રાલયે કહ્યું કે, પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે ગાંધીનગરમાં થશે. તેમાં ત્રણ વ્યવસાયિક દિવસ હશે. તે જ સમયે, આ પ્રદર્શન બે દિવસ સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળો, ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ્સ અને ઉદ્યોગો દ્વારા સાધનસામગ્રી અને કૌશલ્ય સાંકળનું જીવંત પ્રદર્શન પાંચ દિવસ સુધી સાબરમતી રિવર ફ્રન્ટ પર યોજાશે. નિવેદનમાં કહ્યું કે, DefExpo-2022 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2025 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના અને નિકાસમાં પાંચ અબજ ડોલરનો આંક હાંસલ કરવાના વિઝનને અનુરૂપ છે.

(12:31 am IST)