ગુજરાત
News of Wednesday, 8th February 2023

અમદાવાદમાં મુસાફરોની વધતી મેટ્રો સવારી : સમય અને ફ્રીકવન્સી વધારવાથી મળ્યો લાભ

મેટ્રોના ચાલવાના સમય વધવાથી હવે રાઇડરશિપ 39 હજાર પહોચી ગઇ :પહેલા મેટ્રો 20 મિનિટ પર આવતી હવે બન્ને લાઇન પર મેટ્રો 15 મિનિટના સમયગાળા પર મળે છે.જોકે,તેને 10 મિનિટ કરવા મુસાફરોની માંગ

અમદાવાદ :ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન (GMRC) તરફથી અમદાવાદ મેટ્રોના ચાલવાના સમયને વધારવામાં આવતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. GMRCએ 30 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યાથી લઇને રાતના 10 વાગ્યા સુધી મેટ્રોના સંચાલનની જાહેરાત કરી હતી, જેને કારણે મેટ્રોની રાઇડરશિપમાં 10 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં ગત વર્ષે 2 ઓક્ટોબરે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થયો હતો.વડાપ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બરે અમદાવાદને મેટ્રોની ભેટ આપી હતી.
 

GMRC અમદાવાદમાં બે રૂટ પર મેટ્રોનું સંચાલન કરે છે, જેમાં પ્રથમ રૂટ વસ્ત્રાલ ગામથી લઇને થલતેજ સુધીનો છે. આ રૂટ પર અમદાવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન આવે છે. તો બીજો રૂટ એપીએમસીથી મોટેરા સુધીનો છે. બન્ને લાઇન ઓલ્ડ હાઇકોર્ટ પર મળે છે. મેટ્રોએ 30 જાન્યુઆરીથી ઓપરેશનના સમયને વધારવાની સાથે મેટ્રો ટ્રેનની ફ્રીકવન્સી વધારી હતી. પહેલા મેટ્રો 20 મિનિટ પર આવતી હતી, હવે બન્ને લાઇન પર મેટ્રો 15 મિનિટના સમયગાળા પર મળે છે. જોકે, મુસાફરોની માંગ તેને 10 મિનિટ કરવાની છે. મેટ્રોના ચાલવાના સમય વધવાથી હવે રાઇડરશિપ 39 હજાર પહોચી ગઇ છે. પહેલા 35 હજાર મુસાફર એવરેજ મુસાફરી કરતા હતા. સમય વધારવામાં આવતા મેટ્રોની આવકમાં પણ વધારો થયો છે. આ પહેલા મેટ્રોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ રમાયેલ ભારત અને ન્યૂઝીલેન્ડ ટી-20 મેચમાં રાત્રે 12.30 વાગ્યા સુધી સંચાલન કર્યુ હતુ જેમાં 50 હજાર કરતા વધુ લોકોએ મુસાફરી કરી હતી. મેટ્રોની રાઇડરશિપમાં 20 હજાર મુસાફરોનો ઉછાળ આવ્યો હતો.

 

વડોદરાથી દરરોજ અમદાવાદ આવીને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરનારા એક યુવક કહે છે કે મેટ્રોએ ઘણી સવલત આપી છે પરંતુ વસ્ત્રાલ ગામથી લઇને થલતેજ રૂટ પર પીક અવરમાં મેટ્રોની ફ્રીકવન્સી 10 મિનિટની હોવી જોઇએ. આ રૂટ પર મુસાફરોની સંખ્યા વધારે છે. વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગરથી અમદાવાદ આવતા જતા લોકોની સાંજે ટ્રેન છુટી જાય છે. આ માત્ર મારી નહી તમામ મુસાફરોની માંગ છે કારણ કે કાલુપુર મેટ્રો સ્ટેશન પર ઉતરીને લોકોએ એક, બે અને ત્રણ નંબરના પ્લેટફોર્મ સુધી પહોચવામાં સમય લાગી જાય છે. આવી સ્થિતિમાં લોકોની ટ્રેન એક અને બે મિનિટના સમય માટે છુટી જાય છે.

(8:28 pm IST)