ગુજરાત
News of Saturday, 7th November 2020

અમદાવાદ મનપાનું કોરોના ટેસ્ટિંગ અભિયાન : બે દિ ' માં 40 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

બે દિવસમાં 1200 લોકોનો ટેસ્ટ કરાયો : 13 નવેમ્બર સુધી કોરોના ટેસ્ટિંગ અભિયાન ચાલશે

અમદાવાદ : અમદાવાદ મનપા દ્વારા શહેરમાં કોરોના ટેસ્ટિંગ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લાં 2 દિવસમાં 1200 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી કુલ 40 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ પણ કોરોના ટેસ્ટિંગમાં આંકડો વધી શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 5થી 13 નવેમ્બર સુધી AMCનું કોરોના ટેસ્ટિંગ અભિયાન ચાલશે. શહેરમાં મીઠાઇ, ફરસાણ, કાપડ, જ્વેલર્સની દુકાનોમાં રેડ પણ પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના દરેક ઝોનમાં દરેક વોર્ડમાં ટીમો કામે લાગી છે. કાપડ, હોજીયરી અને જ્વેલર્સની દુકાનોમાં કર્મચારીઓના પણ ટેસ્ટ કરાઇ રહ્યાં છે.

પહેલાં જ દિવસે બોડકદેવ વોર્ડમાં 250 ટેસ્ટ કરાયા હતાં. જેમાં 7 પોઝિટિવ કેસ આવ્યાં હતાં. જ્યારે આંબલીમાં 230 ટેસ્ટ કરાયા જેમાં 30 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતાં. દિવાળી દરમિયાન દુકાનદારો સુપર સ્પ્રેડર ન બને માટે આ કામગીરી હાથ ધરાઇ રહી છે.

(1:42 pm IST)