ગુજરાત
News of Saturday, 7th November 2020

પ્રવાસન ઉદ્યોગ ૩૦૦ કરોડનો બીઝનેસ ગુમાવશે

કોરોનાનો ડંખ : ઇન્કવાયરીના અભાવે મોટા ભાગના ટુર આયોજકોએ આયોજનો પડતાં મૂકયાં : લાંબા રૂટ અને સપ્તાહથી વધુના આયોજનો પર બ્રેક : ડોમેસ્ટિક ઉપરાંત ફોરેન ટૂર્સના આયોજનો નહિ

અમદાવાદ, તા.૭ : કોરોનાએ તમામ ઇન્ડસ્ટ્રીને ફટકો માર્યો છે. જેમાં પણ ટૂર્સ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે કપરા ચઢાણ બન્યા છે. લોકડાઉનને કારણે ઉનાળુ વેકેશનની સિઝન ફેઇલ ગયા બાદ ટ્રાવેલર્સે હવે દિવાળી વેકેશનની સિઝનનો અંદાજે રૂપિયા ૩૦૦ કરોડનો વેપાર ગુમાવવાની સ્થિતિ બની છે. આ વર્ષે દિવાળી વેકેશનમાં લોકો દ્વારા પણ લાંબા રૂટના પ્રવાસ પડતા મૂકવાનો અભિગમ અપનાવાયો છે. જેને કારણે સ્થાનિક ટુર્સ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કફોડી સ્થિતિમાં મૂકાયા છે.

ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓ મુજબ, કહેવાય છે કે, દુનિયાના કોઇપણ ખૂણામાં ફરવા જાવ પણ ત્યાં તમને સુરતી અને ગુજરાતી મુસાફર અચૂક મળી આવે.. પરંતુ કોરોના કાળમાં આ માન્યતા અને પરંપરા કેટલેક અંશે તૂટશે તેવું ચિત્ર બન્યું છે. કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ કોરોના નાબૂદ થયો નથી. પૂરતી સાવચેતી અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં લોકો પણ કોઇ જોખમ ખેડવા માગતા નહિ હોવાનું જણાયા છે. દિવાળી વેકેશનમાં સુરતથી દેશના વિવિધ ફરવા લાયક સ્થળો તથા વિદેશના ઘણા સ્થળોને સાંકળતી ત્રણ દિવસથી લઇ સપ્તાહ, પખવાડિયા, મહિનાની ટૂરના આયોજન થતાં હોય છે, પરંતુ આ વર્ષે લોકો અને ટૂર આયોજકો આ પ્રકારના આયોજનથી જાણે દૂર રહ્યા છે. દિવાળી આડે ગણતરીના ૧૦ દિવસ રહી ગયા છે ત્યારે, ટૂર્સ આયોજકો પાસે ખાસ કોઇ બુકીંગ કે ઇન્કવાયરી નથી. જેને કારણે કરોડોનો વેપાર ગુમાવવો પડશે. એક અંદાજ મુજબ દિવાળી વેકેશનમાં સુરત તથા દક્ષિણ ગુજરાતથી ડોમેસ્ટિક ઉપરાંત વિદેશ ટૂર્સના થતા આયોજન થકી રૂપિયા ૩૦૦ કરોડ આસપાસનો વેપાર જનરેટ થતો હોય હોય છે. આ વખતે ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડશે.

માંડ ત્રણી ચાર દિવસના નજીકના સ્થળે ટ્રિપ ગોઠવાશે

લોકો દિવળીની રજામાં ટ્રેન અને બસના ગ્રુપ આયોજનના સ્થાને પોતાની કાર કે વ્હીકલ્સમાં ફરી શકાય તવા સ્થળના બે થી ત્રણ દિવસના આયોજન કરશે. સુરત તથા દક્ષિણ ગુજરાતને સ્પર્શે છે ત્યાં સુધી ઉભરાટ, તીથલ, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આબુ-અંબાજી, ઉદેપુર-શ્રીનાથજી, સૌરાષ્ટ્ર-સોમનાથ-દ્વારકા, માથેરાન, લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર જેવા રૂટ પર પ્રવાસનું જ વધુ આયોજન થાય તેવી શકયતા છે.

ઘણાં ટૂર આયોજકોએ અન્ય ધંધો શરૂ કરવો પડયો

માર્ચ મહિનાથી ટૂર આયોજકો તથા પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલાઓ બેકાર બની ગયા છે. આ સંજોગોમાં પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણાને વેપાર બદલવાની ફરજ પડી છે. જાણકારો મુજબ ઘણા ટૂર આયોજકોએ વ્યવસાય બદલી ખાદ્ય સામગ્રીઓ વેચવા માંડી છે તો, કેટલાકે માસ્ક-સેનેટાઇઝરના વેપારમાં ઝંપલાવ્યું છે.

મુખ્ય જવાબદાર પરિબળો

. કોરોનાના કેસ યથાવત રહેતા લોકોમાં જાહેર મુસાફરી અને પ્રવાસ અંગે પ્રવર્તતો ડર.

. ટ્રેન અને જાહેર બસ સેવા સહિતના શિડયુલ રાબેતા મુજબ થયા નહિ હોય આયોજનમાં મુશ્કેલ.

. દરેક રાજયોમાં કોરોના સંબધિત ગાઇડલાઇન અલગ છે. પ્રવાસ દરમિયાન કોઇકને કોરોના થાય તો, તમામ માટે તકલીફ ઉભી થવાનો ડર પહેલેથી થયેલા બુકીંગ સહિતની ટૂર રદ કરવી પડે તેનો ડર.

. વિદેશની ફલાઇટ શરૂ થઇ નથી અને કોરોના પરીક્ષણ જેવા પરિબળની ફોરેન ટુર્સ પર મુખ્ય અરસ.

. દુબઇ ડેસ્ટિનેશન ખુલ્લુ પરંતુ, ત્યાં કોરોના પરીક્ષણ-ર૪ કલાક કોરેન્ટાઇન જેવા નિયમ પાલનને લઇ દ્વિધા.

. ગત વર્ષ યુરોપ ફેવરિટ ડેસ્ટિનેશન હતાં, પરંતુ ફલાઇટનો અભાવ ફરી લોકડાઉનની સ્થિતિના પરિબળોએ ફોરેન ટ્રીપના આયોજન નહિ.

(10:40 am IST)