ગુજરાત
News of Saturday, 7th August 2021

આંગડિયા કર્મચારીને લૂંટની કોશિશમાં સુત્રધાર સહિત રાજકોટના ૩ પકડાયા

હીરાબજારમાં ચપ્પુની અણીએ ૨ લાખ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો : ઓલપાડના ઉમરા ગામના ફલેટમાં પાંચેયે લૂંટની યોજના બનાવી હતી

સુરત, તા. ૭ : મહિધરપુરા હીરાબજારમાં પખવાડિયા પહેલાં આંગડિયા પેઢીના વૃદ્ઘ ડિલિવરીમેનને આંતરી ચપ્પુની અણીએ રોકડા રૂપિયા ર લાખની લૂંટની કોશિશના ગુનામાં નાસતા-ફરતા મુખ્ય સૂત્રધાર સહિત રાજકોટના ૩ આરોપીને મહિધરપુરા પોલીસે પકડી પાડ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે અડાજણમાં રહેતા નવિનચંદ્ર માધુ (૬૦) મહિધરપુરા- જદાખાડી ખાતે હીરાબજારના નાકે આવેલી ધારા આંગડીયા પેઢીમાં છ વર્ષથી ડિલિવરી મેન તરીકે જોબ કરે છે. પંદેર દિવસ પહેલાં બપોરે તેઓ આંગડિયાના રૂપિયા ર લાખ થેલામાં લઇ જદાખાડી ખાતે આવેલી આંગડિયા પેઢી તરફ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક યુવક તેમના તરફ ઘસી આવી ચપ્પુની અણીએ ડરાવી-ધમકાવી રૂપિયા ર લાખની લૂંટવાની કોશિશ કરી હતી. જોકે, નવીનભાઇએ પ્રતિકાર કરી વેપારીઓની મદદથી યુવકને પકડી મહિધરપુરા પોલીસને સોંપ્યો હતો. પોલીસે લૂટારૃં બસીર ઉમરશા શેખ (રહે- મદીનાનગર, ભચાઉ, કચ્છ)ની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં તેના સાથીદારોના નામ પણ ખૂલ્યા હતા. ત્યારબાદ આ લૂંટનો અન્ય એક આરોપી વિપુલ ઉર્ફે લાલા બાવાજીને બોરસદથી પકડી પાડ્યો હતો. નાણાંની જરૂરિયાત ઉભી થતા પાંચ મિત્રોએ ઓલપાડમાં ઉમરા ગામે શિવ રેસિડન્સી ખાતે મુખ્ય સૂત્રધાર કેતનના ફ્લેટમાં લૂંટની યોજના બનાવી હતી.

પખવાડિયા પહેલાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પણ તેમાં સફળતા મળી નહતી. એક સાગરિત રંગેહાથ પકડાઈ ગયો હતો. દરમિયાન મહિધરપુરા પોલીસે પીઆઇ ધુળિયાના માગંદર્શન હેઠળ લાલદરવાજા, પટેલવાડીથી આ કેસમાં નાસતા-ફરતા કેતન પરસોત્ત્।મ ગોયાણા (ઉ.વ.૩૧. રહે- શિવધામ સોસાયટી, રાજકોટ), જયેશ ઉર્ફે કાકા રવજી ભાલાળા (ઉ. વ.૫૬. રહે- વેજાગામ. ગોંડલ. રાજકોટ) અને ઉદય જયંતિ માનસરા (ઉ.વ.૨૩. રહે- મોટા માંડવાળગામ, કોટડા, રાજકોટ)ની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.

(11:42 am IST)