ગુજરાત
News of Sunday, 7th March 2021

અમદાવાદમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નું રાજ્યપાલ અને મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ કર્યું ઉદઘાટન

ત્રિદિવસીય ફેસ્ટિવલ માં 170 ઉપરાંત સ્ટોલ દ્વારા ફ્રેશ અને સત્વ યુક્ત ખાદ્ય ઉત્પાદનો એક જ સ્થળે થી મળી રહેશે: રાજ્યનો નાગરિક રોગમુક્ત બને એ જ રાજ્યનો સરકારનો નિર્ધાર:: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત:ગુજરાત “સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ”ના માર્ગે પ્રગતિ કરી રહ્યું છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી:ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ’’થી ખેતપેદાશ ઉત્પાદક અને ગ્રાહક બંનેને લાભ:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

અમદાવાદ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત ત્રિદિવસીય   ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્યનો નાગરિક રોગમુકત બને એ જ રાજ્ય સરકારનો નિર્ધાર છે. તેમણે આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે લેવાઈ રહેલા સંખ્યાબંધ પગલાઓ અંગે સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો.  
  રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા માટે ગૌ-પાલન માટે વિશેષ સહાય આપવાની રાજ્ય સરકારની યોજનાની પ્રસંશા કરી હતી.તેમણે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવાની રાજ્ય સરકારની નવતર પહેલનો પણ આ તબક્કે  ઉલ્લેખ કર્યો હતો.
 રાજ્યપાલએ અમદાવાદના નાગરિકોને આ સુંદર આયોજનનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે, ગુજરાત  સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ સાતત્ય પૂર્ણ વિકાસના માર્ગે પ્રગતિ કરી રહ્યું છે  તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રજાને સત્વયુક્ત આહાર પ્રાપ્ત થાય એ રાજ્ય  સરકાર ની પ્રાથમિકતા છે.  
મુખ્યમંત્રીએ ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલના ની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, પ્રજાને કેમિકલમુક્ત આહાર મળે અને ખેડૂતોને સારા ભાવ મળે તે ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે
. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આ ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલના પરિણામે અમદાવાદની પ્રજાને શુદ્ધ આહાર મળશે તેમ જ ખેડૂતોને સારા ભાવ મળશે.
તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.  
 મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ  કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત મીડિયાના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને ઝુંબેશ વધુ વેગવાન બની રહી છે અને ખેડૂતો વ્યાપક પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.  
આ અવસરે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલથી ખેતપેદાશ ઉત્પાદક અને ખેડૂત બંનેને લાભ થશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે , ખેતપેદાશમાં મૂલ્યવૃદ્ધિના પગલે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને ખેડૂતોએ આ પ્રકારના આયોજનનો મહત્તમ લાભ લેવો જોઈએ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગે ક્રાંતિ કરી છે અને ખેડૂતોએ વિભાગની યોજનાઓનો લાભ લેવો જોઈએ. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અપીલ પણ કરી હતી.  
આ પ્રસંગે મહાનુભાવોએ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ધરતીપુત્રો સાથે સંવાદ સાધ્યો હતો અને ખેતીમાં ચાલતી નવી તરાહો વિશે પૃચ્છા કરી જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીએ બંજર જમીનમાં બાગાયતી ખેતી માટે રાજ્ય સરકારની નવી પહેલ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન ના પગલે ખેડૂતો તરફથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદની વિગતો પણ રાજ્યપાલશ્રીને આપી હતી
 મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો ઉપરાંત મૂલ્યવૃદ્ધિ કરી નિકાસ કરતા ખેડૂતો સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.  
આ અવસરે ડાંગના ખેડૂતોએ મુખ્યમંત્રીને વિશિષ્ટ પ્રકારના ફૂલોની ભેટ ધરી હતી.
આ કાર્યક્રમમાં  કૃષિ મંત્રીરી આર.સી.ફળદુ તેમજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ મનિષ ભારદ્વાજ,ગુજરાત એગ્રો ના એમ.ડી રંધાવા સહિત ઉચ્ચ અધિકારીઓ તેમ જ અદાવાદ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.     

(6:33 pm IST)