ગુજરાત
News of Wednesday, 7th February 2018

ડીડોલીમાં લગ્નમાં આવેલ ચાંદલાના 60 હજાર સ્ટીલની પેટીમાંથી બે અજાણ્યા શખ્સો ચોરી ગયા

સુરત:ડીંડોલીમાં લગ્નવાડીમાંથી મધ્યમવર્ગીય પરિવારની પુત્રીના ચાંદલામાં આવેલા રૃ।. ૬૦ હજાર સ્ટીલની પેટી સાથે બે અજાણ્યા ચોરી ગયા હતા. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં નવાગામ ડીંડોલી નંદનવન રોડ સાંઇનાથ સોસાયટી પ્લોટ નં. ૭૯માં રહેતા રાજેન્દ્રભાઇ ભાઇદાસ પાટીલ ઉધનામાં ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેમની મોટી પુત્રી રાધિકાના લગ્ન ડીંડોલી સાંઇનગરમાં આવેલી પ્રજાપતિ સમાજની વાડીમાં યોજાયા હતા. લગ્નમાં રાધિકાને ચાંદલા પેટે આવેલી રકમ રાજેન્દ્રભાઇની માતા હીરાબેને વાડીના પહેલા માળે એક ખૂણામાં બેસી સ્વીકારી હતી. બપોરે  આ વિધિ પૂર્ણ થયા બાદ જે રકમ આવી હતી તે ગણ્યા વિના અને યાદીની બુક પણ સ્ટીલની એક પેટીમાં મુકી લૉક કરી તેઓ ફોટો પડાવવા ગયા હતા પણ પરત આવ્યા ત્યારે સ્ટીલની પેટી ગાયબ જણાતા તમામે શોધખોળ શરૃ કરતા બાજુની ગલીમાં બંધ સિનેમા હોલની ખુલ્લી જગ્યામાં ખાલી પેટી મળી આવી હતી. આજુબાજુ પૂછતાં ૨૦-૨૨ વર્ષના બે અજાણ્યા પેટી લાવી તેમાંથી સામાન કાઢી ત્યાં છોડી ગયાનું એક મહિલાએ જણાવ્યું હતું. આ અંગે ડીંડોલી પોલીસ મથકે ફરિાદ નોંધાવાતા વધુ તપાસ  ચાલી રહી છે.

 

 

(6:11 pm IST)