ગુજરાત
News of Wednesday, 5th October 2022

રૂપાલમાં વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળતા રસ્તા પર શુદ્ધ દેશી ઘીની નદીઓ વહી

માતાની પલ્લી નીકળતા ડોલ ભરી ભરીને ઘીનો અભિષેક કરાયો :પલ્લીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ભક્તોના ટોળે ટોળા ઉમટી પડ્યા

નવરાત્રિમાં ગુજરાતના ગરબા વખાણાય છે એટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે. માતાની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવાતું હોય અને એની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય એવાં દૃશ્યો રૂપાલમાં જ જોવા મળે છે. ત્યારે હાલ કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળી હતી. જેને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરતા રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.

આસો સુદ નોમની રાત્રે પણ સદીઓની પરંપરા અનુસાર માતાજીની પલ્લી નીકળી હતી. સામાન્ય રીતે પલ્લી એટલે માતાજીનો ઘોડા વગરનો રથ. ત્યારે પલ્લીમાં એવી પ્રથા છે કે જે લોકોની માનતા પૂરી થઈ હોય તે અહીં ઘીનો અભિષેક કરે છે. ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે.

આ દરમિયાન ગામના યુવકો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. પલ્લી ચોકમાં નીકળે એટલે તેના પર ઘીનો અભિષેક કરવાનું શરૂ કરવામાં આવે છે. અને બાળકોને પલ્લીના માથે ટેકવાય છે. આ રૂપાલની પલ્લી ચાવડા, બ્રાહ્મણ, કુંભાર, વણિક, પટેલ, માળી, સુથાર, વણકર, વાળંદ, પીજારા વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. તેથી એમ કહી શકાય કે, આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે.

  માતાની પલ્લી એટલે માનો રથ, જેની ઉપર પાંચ પાંડવોના પ્રતીક સમી જ્યોત ઝળહળતી હોય છે. આ રથમાં સ્વંય માતા બિરાજમાન હોય છે. ત્યારે ભાવિક ભક્તો દ્વારા આ વખતે માતાજીની પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. આખી રાત દરમિયાન રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી નીકળતા ડોલ ભરી ભરીને ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. બીજી તરફ માચાની પલ્લીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ભક્તોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

(12:38 am IST)