ગુજરાત
News of Monday, 6th February 2023

અમદાવાદના કાલુપુરમાં યુવાનને દોડાવી દોડાવીને તલવારના ઘા ઝીંકી કરપીણ હત્યા

કાલુપુર વિસ્તારમાં પોલીસ ચોકીથી માત્ર નજીવા અંતરે આરોપીઓએ ખૂની ખેલ ખેલ્યો

અમદાવાદના  કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે ખુની ખેલ ખેલાયો છે. યુવકને દોડાવી દોડાવીને તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે.પોલીસ ચોકીથી માત્ર નજીવા અંતરે જ આ બનાવ બન્યો છે. જેને લઈ પોલીસનો ડર ના હોય તેવું દેખાઈ રહ્યું છે

  લગ્નની દાવત સમયે જમવા બાબતે થયેલ બોલાચાલીની અદાવતમાં હત્યાને અંજામ અપાયો છે. સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા સાબાન હુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાનું લાઈનમાં આપવા બાબતે થયેલ બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને ચાર લોકોએ હત્યા કરી દીધી છે.

જે અંગે મોહમ્મદ ફૈઝાન મોમીને કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના બહેનના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં સાદિક હુસૈન, રફીક હુસૈન, અને લિયાકત હુસૈન નામના વ્યક્તિઓ પણ જમણવારમાં આવેલા હતા. તે વખતે લિયાકત હુસૈને ફરિયાદીના ભાઈ નાઝીમ ઉર્ફે ઝીંગો શેખનાને લાઈનમાં જમવાનું આપ તેમ કહીને ગાળ બોલતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલ હોવાથી ફરિયાદીએ વચ્ચે પડતા તેની સાથે પણ બોલાચાલી ઝઘડો કર્યો હતો.

આ ઝઘડાની અદાવત રાખીને સાદીક હુસેન, રફીક હુસેન, લિયાકત હુસેન તથા નાસીર હુસેને ભેગા મળીને ફરિયાદી જ્યારે ઓટો રિક્ષામાં કાશીમ હુસૈન તથા સાબાન હુસૈનને રિક્ષામાં બેસાડીને સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચ્યો હતો. તે દરમિયાન એક ઓટો રીક્ષા ચાલકએ તેમની રીક્ષાને ઓવરટેક કરવાની કોશિશ કરી હતી. જો કે તેમણે રીક્ષા ઉભી ના રાખતા આરોપીઓએ રીક્ષા પર તલવાર વડે ઘા માર્યા હતા. જેથી ત્રણેય રીક્ષામાંથી ભાગવા જતા સાહીત હુસૈન તથા લિયાકત હુસૈને તલવાર ચપ્પા તેમજ સળિયા વડે પાછળ આવીને સાબાન હુસેન તથા કાશી હુસેન અને પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન સાબાન હુસેનનું મૃત્યુ નિપજ્યું હતું.

(12:02 am IST)