સુરતમાં મોબાઈલ સ્નેચીંગ:પળભરમાં બાઇક ચાલક ધૂમ સ્ટાઈલમાં મોબાઈલ આંચકીને ફરાર થઈ ગયો
રાંદેર રોડ પર બાઇક પર આવેલા અજાણ્યા યુવકે યુવતીના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લીધો ;ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ

સુરતમાં મોબાઈલ સ્નેચીંગની ઘટના બની છે પળભરમાં યુવતીના હાથમાંથી મોબાઈલ છીનવી લેવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 5 સેકન્ડમાં જ બાઇક પર આવેલા બે યુવકોએ યુવતીના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લીધો હતો અને ફરાર થઇ ગયા હતા.
શહેરમાં કુખ્યાત ચેઈન અને મોબાઈલ સ્નેચરોનો સોફ્ટ ટાર્ગેટ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો છે. બાઇક સવારો કૉલેજ કે ટ્યુશન ક્લાસની બહાર ઊભેલી યુવતીઓ કે બગીચામાં જોગિંગ કરવા જતી વરિષ્ઠ નાગરિકોના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લે છે.
રાંદેર રોડ પર આજે સવારે બાઇક પર આવેલા અજાણ્યા યુવકે યુવતીના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લીધો હતો. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. માત્ર 5 સેકન્ડ દરમિયાન બાઇક સવારે યુવતીના હાથમાંથી મોબાઇલ છીનવી લીધો હતો. મોબાઈલ છીનવી લીધા બાદ યુવતી વીડિયોમાં અન્ય લોકોની મદદ લેતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.