ગુજરાત
News of Monday, 5th December 2022

વડોદરામાં નવદંપતિ પ્રભુતામાં પગલા પાડ્યા બાદ મતદાન કરવા પહોંચ્યુ: બન્નેએ પોત-પોતાના વિસ્તારમાં મતદાન કર્યુ હતુ

લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા હતા: જીવનની નવી શરૂઆત કરવા જાય એ પહેલા મતદાન કરીને એક સંદેશો આપ્યો

વડોદરા: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યુ છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે મતદાન થઇ રહ્યુ છે. ત્યારે અવનવી રીતે લોકો મતદાન કરવા માટે જઇ રહ્યા છે..કોઇ સાયકલ પર તો વળી કોઇ ઢોલ નગારા સાથે યુવાનો મતદાન કરવા માટે જઇ રહ્યા છે. ત્યારે વડોદરામાં નવદંપતિ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને ત્યારબાદ મતદાન કરવા પહોંચ્યુ હતુ.
વડોદરામાં છાણી વિસ્તારમાં રહેતા ધ્રુવી ગૌસ્વામીએ કારેલીબાગમાં રહેતા રાજદીપ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આજે સવારે વિદાય બાદ કન્યા સાસરે નહી પરંતુ મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી. બન્નેએ પોત-પોતાના વિસ્તારમાં મતદાન કર્યુ હતુ. લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા હતા. અને જીવનની નવી શરૂઆત કરવા જાય એ પહેલા મતદાન કરીને એક સંદેશો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાજ્યમાં આજે બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનુ મતદાન થયુ હતુ. જ્યારે 8 ડિસેમ્બરે રાજ્યમાં મતગણતરી હાથ ધરાશે. ત્યારે ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજ બુથ પર મતદાન કર્યુ હતું. CM ભૂપેન્દ્ર પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. સાથે સમર્થકો માથે કેસરિયા સાફા ધારણ કરી પહોંચ્યા હતા. જોકે, આ બાદ ભૂપેન્દ્ર પટેલે મત આપીને ચાની કિટલી પર ચાની ચૂસ્કી લગાવતા જોવા મળ્યા હતા.

(4:51 pm IST)