ગુજરાત
News of Monday, 5th December 2022

થરામાં જાન્‍યુઆરીમાં ભરવાડ સમાજના સમૂહલગ્ન

૩૦૦૧ દિકરીઓ જોડાશેઃ વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થપાશેઃ તા.૩૦ અને ૩૧ એમ બે દિ' આયોજન

રાજકોટ તા. પ : આજથી ૯૦૦ વર્ષ પૂર્વ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા (જી. બનાસકાંઠા) ખાતે ગ્‍વાલીનાથ મહાદેવના સાનિધ્‍યમાં સૌપ્રથમ જંગવિવાહ (સમુહલગ્ન) યોજાયો હતો. જેમાં ૩૦૦૯ દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

એજ સ્‍થાન ઉપર બીજો જંગવિવાહ આગામી તારીખ ૩૦/૧/ર૦ર૩ અને ૩૧/૧/ર૦ર૩ના રોજ યોજાઇ રહ્યો છે. જેમાં સમગ્ર ગુજરાત-મહારાષ્‍ટ્ર-મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાનમાંથી ૩૦૦૧ દિકરીઓ એક સાથે પ્રભુતામાં પગલા માંડશે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે ભગવાન શ્રીકૃષ્‍ણના હસ્‍તેગ્‍વાલીનાથ મહાદેવની સ્‍થાપના કરવામાં આવી હતી. આ ઐતિહાસીક સ્‍વયંભુ મહાદેવની પુનઃપ્રાણપ્રતિષ્‍ઠા કરવામાં આવનાર છે. જેના ભાગ શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ભરવાડ સમાજની ગુરૂગાદીના બ્રહ્મલીન મહંત પરમ પૂજય શિવપુરી બાપુનો ભંડારો પણ યોજાશે.

ગુરૂગાદી થરાના પરમપૂજય મહંત ૧૦૦૮ થી ઘનશ્‍યામપુરીબાપુ ગુરૂ શિવપુરીબાપુના આશિર્વાદ અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાનાર ૧૦૦૦ દિકરીઓના સમુહલગ્ન, શ્રીમદ્દ ભાગવત કથા ગ્‍વાલીનાથ મહાદેવની પુનઃપ્રાણપ્રતિષ્‍ઠા, મહા રૂદ્રી યજ્ઞ તથા શિવપુરીબાપુનો ભંડારો આ તમામ ધાર્મિક ઉત્‍સવના યજમાન બેચરભાઇ તેજાભાઇ ગમારા (અમદાવાદ) છે. આ સમગ્ર ધાર્મીક ઉત્‍સવને ગ્‍વાલીનાથ મહાદેવ થરાનો સમૈયો એવું નામ આપવામાં આવ્‍યું છે. તેમ વિનુભાઇ બેચરભાઇ ગમારાએ જણાવ્‍યું હતું.

આ ઐતિહાસિક સમુહલગ્નમાં જોડાયેલ તમામ દિકરીઓને ઘરવખરીની રપ૧ ચીજવસ્‍તુઓ સાથેનો કરીયાવદર દરેકના ઘરે પહોંચતો કરી દેવામાં આવ્‍યો છે. જેમાં સેટીપલંગ, કબાટ, ટીવી, ફ્રીઝ, વાસો, ચાંદીના સાકળતા, સોનાની ચુક વગેરે ચીજવસ્‍તુઓનો સમાવેશ થાય છે.

૮પ૦ વિઘા જમીનમાં આ સમગ્ર ઉત્‍સવ ઉજવવામાં આવશે જેમાં લગ્ન સ્‍થળથી ૩ કિલો મીટર દુર ૪૦૦ વિઘામાં પાર્કીંગની  વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. પાર્કીંગ સ્‍થળેથી લગ્ન સ્‍થળે મહેમાનોને લઇ જવા અને લાવવા ૬૦ લકઝરીયસ બસો મુકવામાં આવી છે. રપ૦ વિઘામાં લગ્નમંડપ અને ર૦૦ વિઘામાં ભોજનશાળા ઉભી કરવામાં આવી છે. આ સમુહ લગ્નમાં અંદાજીત ૧પ લાખથી વધુ લોકો પધારશે જેના માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.  પ્રસાદ ઘરમાં બગદાણાથી સ્‍વયંસેવકો સેવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્‍ટ્રમાંથી ર૦૦૦ થી વધુ સ્‍વયંસેવકો સેવા કાર્યમાં જોડાશે.

વ્‍યવસ્‍થાના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રની દિકરીઓના ફેરા તા. ૩૦-૧-ર૦ર૩ ના રોજ યોજાશે અને અમદાવાદ સહિતના વિસ્‍તારોની દિકરીઓના ફેરા તા. ૩૧-૧-ર૦ર૩ ના રોજ યોજાશે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના જે પરિવાર આ સમુહલગ્નમાં જોડાયા છે તેઓએ પોતાના વાહન મોરબીથી સામખયાણી, રાધનપુર થઇ થરા પહોંચવાનું રહેશે.

વધુ માહિતી માટે વિનુભાઇ ગમારા (અમદાવાદ) મો. ૯૮રપર ૦૯ર૪૭, ગકુરભાઇ ગમારા (અમદાવાદ) મો. ૯૩ર૭૦ ૪રર૧૪, ભીખાભાઇ પડસારીયા (રાજકોટ) મો. ૯૮ર૪૧ ૯૯૯૦૯, રાજૂભાઇ જુંજા (રાજકોટ) મો. ૯૮૯૮૧ ૦ર૪૭ર, હીરાભાઇ બાંભવા (રાજકોટ) મો. ૯૯રપ૬ ૧૩૬૦૦, લીંબાભાઇ માટીયા (રાજકોટ) મો. ૯૯૯૮૧ ૦૪૧પપ, નારણભાઇ વકાતર (રાજકોટ) મો. ૮૮૪૯૯ ૬૩૮પ૯, રાજૂભાઇ ઝાંપડા (રાજકોટ) મો. ૯૦૩૩૪ ૪૪૪૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(4:20 pm IST)