ગુજરાત
News of Tuesday, 5th July 2022

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદનઃ કોંગ્રેસ પાર્ટી મુખ્‍યમંત્રીનું નામ જાહેર કર્યા વગર ચૂંટણી પ્રચાર કરશે

2017ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે મુખ્‍યમંત્રીનું નામ જાહેર કર્યા વગર 77 સીટ કબ્‍જે કરી હતી

ગાંધીનગરઃ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પક્ષો મેદાનમાં ઉતરતા કોંગ્રેસ પાર્ટી મુખ્‍યમંત્રીનું નામ જાહેર કર્યા વગર ચૂંટણીની રણનીતિ ઘડશે તેમ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્‍યુ હતુ. ચૂંટણીના પરિણામ પછી મુખ્‍યમંત્રીનું નામ જાહેર થશે.

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંડલાવવાની છે. દરેક પાર્ટીઓ ચૂંટણીને લઈને પોતાની રણનીતિ બનાવી રહી છે. ત્યારે કોંગ્રેસ છેલ્લા 27 જેટલા વર્ષથી ગુજરાતની સત્તાથી દૂર છે અને પાર્ટી આ વર્ષે ચૂંટણીમાં જીત મેળવશે તેવી આશા કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે.

કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માનું મોટું નિવેદન

ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મહત્વની જાહેરાત કરી છે. રઘુ શર્માએ કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે નહીં. એટલે કે કોંગ્રેસે કેપ્ટન વગર મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. રઘુ શર્માએ કહ્યુ કે અમે ચૂંટણી બાદ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરીશું.

2017માં પણ ચહેરા વગર મેદાનમાં ઉતરી હતી કોંગ્રેસ

ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસે 77 સીટો કબજે કરી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી માંડમાંડ 99 સીટો પર પહોંચી શકી હતી. 2017માં યોજાયેલી ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ઉભી થયેલી સ્થિતિનો ફાયદો સીધો કોંગ્રેસને મળ્યો હતો. 2017ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા વગર મેદાનમાં ઉતરી હતી.

(5:39 pm IST)