ગુજરાત
News of Wednesday, 3rd January 2018

આસારામ આશ્રમમાં લોહીથી લથપથ હાલતમાં સાધક મળ્યો

સાધકે ગુપ્તાંગ કાપી નાંખ્યું, શરીરે ઇજાઓ પહોંચાડીઃ સાધકે જાતે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની પોલીસને આશંકા : ઇજાગ્રસ્ત સાધક સિવિલમાં

અમદાવાદ,તા. ૩, શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમના સ્ટોર રૂમમાંથી એક સાધક લોહીલુહાણ હાલતમાં મળી આવતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, આ સાધકના ગળા અને શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારથી ઇજા કર્યાના નિશાન હતા અને તેનું ગુપ્તાંગ પણ કાપી નાંખેલી હાલતમાં મળી આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઇ અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે તો બીજીબાજુ, પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં સાધકે જાતે જ છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યાની આશંકા સેવાઇ રહી છે. ઇજાગ્રસ્ત સાધકને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે સવારે મોટેરા સ્થિત આશ્રમમાં સુદામા રાઉત(ઉ.વ.૪૦) નામનો સાધક (મૂળ વતન ઓડિશા) સ્ટોર રૂમમાં ગયો હતો પરંતુ ઘણા લાંબા સમય સુધી બહાર નહી આવતાં અન્ય એક સાધકે તેને બૂમ મારી હતી પરંતુ તેણે કોઇ જવાબ નહી આપતાં આ સાધક સ્ટોર રૂમમાં અંદર ગયો હતો. અંદર જતાં જ તે હેબતાઇ ગયો હતો.

એક ધાબળામાં સુદામા રાઉત નામનો સાધક લોહીલુહાણ હાલતમાં પડયો હતો. સુદામા રાઉતને આવી ગંભીર હાલતમાં જોઇ પેલા સાધકે તરત આશ્રમના સંચાલકને જાણ કરી હતી અને બધા ત્યાં દોડી આવ્યા હતા. આશ્રમ દ્વારા તરત જ સાધક સુદામા રાઉતને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસનો સ્ટાફ અને કાફલો પણ આવી પહોંચ્યો હતો અને આશ્રમમાં સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે, સાધક સુદામાએ જાતે જ છરીના ઘા મારી આત્મહ્ત્યાનો પ્રયાસ કર્યો હોઇ શકે, તેણે તેનું ગુપ્તાંગ પણ કાપી નાંખ્યું હતું. સુદામા અપરિણિત હતો અને પરિવારમાં તેના માતા-પિતા છે. આશ્રમના સંચાલક દ્વારા તેના ઘેર પણ આ અંગેની જાણ કરાઇ હતી. જો કે, હાલ સુદામા સારવાર હેઠળ હોઇ અને તે કંઇ બોલી શકવાની સ્થિતિમાં નહી હોઇ પોલીસ તેનું નિવેદન લઇ શકી ન હતી. તેની તબિયત સારી થયા બાદ નિવેદન લઇ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે.

(9:40 pm IST)