ગુજરાત
News of Wednesday, 3rd January 2018

હવે કોંગીમાં પણ વિપક્ષના નેતાના પદ માટે હુંસાતુંસી

પરેશ ધાનાણીનું નામ રેસમાં સૌથી આગળ : બીજીબાજુ, કુંવરજી બાવળીયા, વિક્રમ માડમ અને મોહન રાઠવા વિપક્ષના નેતા પદ માટે ખુલ્લીરીતે મેદાનમાં આવ્યા

અમદાવાદ,તા.૩: ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ વિપક્ષના નેતાના પદ માટે હુંસાતુંસી ચરમસીમાએ પહોંચી છે. વિધાનસભામાં કોંગ્રેસપક્ષના નેતા(વિરોધ પક્ષના નેતા) તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ રેસમાં સૌથી આગળ અને લગભગ નક્કી જેવું જ છે પરંતુ બીજીબાજુ, કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને મોહનસિંહ રાઠવા પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. કુંવરજી બાવળીયાએ તો એટલી હદે ચીમકી આપી દીધી હતી કે, કોંગ્રેસ હાઇકમાન્ડ વિપક્ષના નેતાનું નામ નક્કી કરે તે માન્ય છે પરંતુ જો પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવાય તો, ૨૦૧૯માં પાર્ટીને નુકસાન સહન કરવુ પડશે, અમે કંઇ મજૂરી કરવા તો નથી આવ્યા. જો કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નીરીક્ષકો દ્વારા મીડિયા સમક્ષ દાવેદારી કરનારા આ ધારાસભ્યોને ઠપકો પણ આપ્યો હતો. આવતીકાલે ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક અને પુખ્ત ચર્ચાવિચારણા બાદ વિપક્ષના નેતાનું નામ જાહેર કર્યા તેવી શકયતા છે. વિપક્ષના નેતાની પસંદગીની બાબત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર છોડવામાં આવી હતી. બાવળિયાએ પોતે સિનિયોરિટીમાં આગળ હોવાનો મુદ્દો ઉઠાવી વિપક્ષના નેતા તરીકે તેમને આ વખતે તક મળવી જોઇએ તેવી લાગણી વ્યકત કરી હતી. બીજીબાજુ, વિક્રમ માડમ પણ ઘણા ધારાસભ્યો તેમની ફેવરમાં હોવાના દાવા સાથે મેદાનમાં ઉતરી આવ્યા છે અને વિપક્ષના નેતા તરીકે તેમને પણ તક અપાય તેવું માની રહ્યા છે. તો, મોહનસિંહ રાઠવાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, જીતેન્દ્રસિંહ સહિતના નેતાઓની હાજરીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના નેતાની પસંદગી, ઉપનેતા, દંડક અને જાહેર હિસાબ સમિતિના સભ્યોના નામ અંગે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. બેઠકમાં ધારાસભ્યોનો પ્રાથમિક અભિપ્રાય લેવાયો હતો. હવે આવતીકાલે પક્ષના મોવડીમંડળ સાથે ચર્ચા કર્યા બાદ જરૂરી નિર્દેશાનુસાર વિપક્ષના નેતાનું નામ જાહેર કરાય તેવી પણ શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. ૫૪માંથી ૩૦ બેઠકો મેળવી કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ભાજપને જોરદાર પછડાટ આપી હતી.

આમ, હવે કોંગ્રેસમાં પણ વિપક્ષના નેતાના પદ માટેની આંતરિક લડાઇ જોર પકડી રહી છે. સમગ્ર મામલો કોંગ્રેસના હાઇકમાન્ડ સુધી પણ પહોંચ્યો છે પરંતુ આ વખતે ભૌગોલિક સંતુલન માટે પણ વિપક્ષી નેતાનું પદ સૌરાષ્ટ્રને એટલે કે, ધાનાણીને ફાળવાય તેવી પ્રબળ શકયતા છે. ગઇકાલે જ રાજયના મત્સ્યોદ્યોગપ્રધાન પરસોત્તમ સોલંકીએ પોતાની નારાજગી જાહેર કરી ભાજપ સરકારને વધુ એક વિવાદમાં ઘસડી હતી અને કોળી સમાજ ખાતા ફાળવણીને લઇ નારાજ હોવાનો મુદ્દો ઉઠાવી આજે કેબીનેટની બેઠકમાં પણ ગયા ન હતા. આમ, ભાજપમાં નીતિન પટેલના વિવાદ બાદ હવે પરસોત્તમ સોલંકીની નારાજગીનો નવો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજીબાજુ, કોંગ્રેસ વિપક્ષના નેતાની હોડમાં મેદાને પડેલા તેના ઉમેદવારોને મનામણાં કરવામાં પડી છે. આમ, બંને પક્ષે વિવાદ અને નારાજગીનો દોર ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

(7:33 pm IST)