ગુજરાત
News of Wednesday, 3rd January 2018

ધો. ૧૦ના વિદ્યાર્થીઓને આઈ.ટી.આઈ. તરફ આકર્ષવા સરકારની યોજના

સ્કીલ ઈન્ડિયા મિશનઃ યુવાનો પદવી પાછળ દોડવાના બદલે રોજગારલક્ષી અભ્યાસક્રમો તરફ ચાલે તેવો હેતુ : ઉદ્યોગોને કૌશલ્યપૂર્ણ કારીગરો મળે અને યુવાનોને સારી રોજગારીની તકઃ સરકારી અધિકારીઓ સમજાવવા માટે શાળાઓમાં જશે

રાજકોટ તા. ૩: ગુજરાત સરકારના શ્રમ રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ કચેરી દ્વારા 'સ્કીલ ઇન્ડિયા મિશન' અંતર્ગત ધો. ૧૦ માં ભણતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસક્રમ માટે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયૂટ (આઇ.ટી.આઇ.) તરફ આકર્ષવા માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. તે અંતર્ગત સરકારના અધિકારીઓ શાળાઓમાં જઇને ધો. ૧૦ પછી મળતા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોથી વિદ્યાર્થીઓને વાકેફ કરી માત્ર પદવીના બદલે રોજગારી આપતા રસ્તાઓ બતાવશે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજયની ર૮૭ આઇ.ટી.આઇ.માં કોમ્પ્યુટર ઓપરેટર, ફીટર, વાયરમેન જેવા પ્રકારના વ્યવસાયની તાલીમ આપવામાં આવે છે. યુવક-યુવતીઓ આ તાલીમ લઇને રોજગારીની શ્રેષ્ઠ તકનું નિર્માણ કરી શકે છે. ધો. ૧૦ પછી ધો. ૧ર અને સ્નાતક તરફના અભ્યાસ કરવાથી પદવી મળી શકે છે. પરંતુ રોજગારી મેળવવામાં ખૂબ સ્પર્ધાનો સામનો કરવો પડે છે જયારે આઇ.ટી.આઇ. ક્ષેત્રે આગળ વધનાર યુવાનોને રોજગારી મેળવવાની વધુ તક મળે છે.

રાજયની વિવિધ આઇ.ટી.આઇ.માં કુલ ૧ાા લાખ જેટલા વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા છે. જયાં માત્ર પદવીલક્ષી નહિ પણ રોજગારીલક્ષી શિક્ષણ અપાય છે.

આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરવાથી યુવાનોમાં જુદી જુદી સેવા અને વ્યવસાય માટેનું કૌશલ્ય નિર્માણ થાય છે. જેના દ્વારા સારી રોજગારી મેળવી શકે છે. યુવાનોના કૌશલ્યવર્ધનની સાથે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રને કૌશલ્યપૂર્ણ માણસો મળી શકે છે. આઇ.ટી.આઇ.ના અભ્યાસક્રમના ફાયદાથી ધો. ૧૦ના વિદ્યાર્થીઓને પરિચિત કરવા સરકાર દ્વારા શાળાઓમાં જઇ કાર્યક્રમો યોજવાનું તેમજ શાળાના વિદ્યાર્થીઓને નજીકની આઇ.ટી.આઇ.માં મુલાકાત માટે નિમંત્રિત કરવાનું આયોજન થઇ રહ્યું છે.

ધો. ૧૦ પછી આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરી બે વર્ષ પછી વિદ્યાર્થીને માત્ર એક-બે વિષયની પરીક્ષા આપી ધો. ૧ર પાસનું પ્રમાણપત્ર મેળવવાની પણ તક રહે છે.

આમ વિદ્યાર્થી પોતાની ઇચ્છા અને મહેનતથી બે વર્ષના સમયગાળામાં પદવી અને રોજગારલક્ષી અભ્યાસક્રમ બન્નેનો લાભ લઇ શકે છે.

(3:51 pm IST)