ગુજરાત
News of Wednesday, 3rd January 2018

બાબુભાઈ કહે છે કે મારે પાર્ટી સાથે કોઈ નારાજગી નથી, પાર્ટીએ મને ઘણુ આપ્યુ છે, સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા સમાચાર સામે ફરિયાદ

હાઈકમાન્ડ તથા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશ

પોરબંદર તા.૩: સોશ્યલ મીડિયામાં નીતિનભાઈ પટેલ માન્યા પણ બીજા રીસાઈ ગયા છે, કેબીનેટ મંત્રીપદ ન મળે તો રાજીનામુ આપવાની ધમકી તેવા સમાચાર સોશ્યલ મીડિયામાં વહેતા થતા રાજકીય ગરમાવો છવાઈ ગયો છે : આ વખતે ભાજપ માટે આગામી ૫ વર્ષ કપરા ચઢાણ સાબિત થવાના હોય તેમ સરકાર બન્યા બાદ ખાતા ફાળવણીથી નીતિન પટેલ નારાજ થઈ ગયા હતા ત્યારબાદ ઘીના ઠામમાં ઘી પડી ગયુ હતું, પરંતુ હવે ભાજપના પૂર્વ મંત્રી અને હાલમાં ભાજપના મંત્રી મંડળમાં સમાવેશ ન થયેલ બાબુભાઈ બોખીરીયા નારાજ હોય તેવા સમાચાર વહેતા થયા છે  બાબુભાઈ બોખીરીયાને મંત્રીમંડળમાં લેવાને બદલે વિધાનસભાના ગૃહમાં અધ્યક્ષ તરીકે બેસાડવામાં આવે તેવી ચર્ચા થઈ રહી છે ત્યારે બાબુભાઈને કેબીનેટ કક્ષાના મંત્રીપદથી ઓછુ કંઈ ખપતુ નથી તેવુ જણાવ્યુ હોવાના સમાચાર સોશ્યલ મીડિયામાં વહેતા થયા છે.

આ અંગે બાબુભાઈ બોખીરીયાએ 'અકિલા'ને જણાવ્યુ હતું કે, હંુ જરા પણ નારાજ નથી. મારા અવાજમાં કયાંય તમને નારાજગી દેખાય છે? મારા વિરોધીઓ દ્વારા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને મને બદનામ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે, જેથી આ ન્યુઝ ચેનલ સામે ફરીયાદ કરી છે અને હાઈકમાન્ડ સમક્ષ તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળીશ.

આ મુદ્દે પોરબંદરના ધારાસભ્ય કમ પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા અંગે વાયરલ થયેલા એક મેસેજ મામલે તેમણે એસ.પી.ને પત્ર પાઠવીને સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કરવા માંગે કરી છે. ફરિયાદ અરજીમાં બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું છે કે, એક ન્યુઝ ચેનલે આજે 'નીતિન પટેલ માન્યા તો ભાજપનાં ધુરંધર નેતા બાબુભાઇ બોખીરીયાએ મંત્રીપદ નહીં મળે તો રાજીનામાની ધમકી આપી' જેથી પાયાવિહોણી વિગતો વાયરલ કરીને રાજકીય કારકીર્દિને નુકસાન થાય એવું કૃત્ય કર્યુ છે. જેથી તટસ્થ તપાસ કરીને પગલા ભરવા માંગ કરી છે.(૧.૧૦)

 

(11:28 am IST)