ગુજરાત
News of Wednesday, 3rd January 2018

બિલ્ડીંગમાં માળ વધારવા મકાનના ક્ષેત્રફળમાં કાપ

કોમન GDCRનો લાભ લેવા કેટલાક બિલ્ડરો ગ્રાહકોને છેતરતા હોવાની ફરિયાદ : ફલેટ ખરીદી કર્યા બાદ બિલ્ડર રિવાઇઝડ પ્લાન માટે એફિડેવિટ માગે તો ચેક કરી લેજો, છેતરાઇ શકો છો

અમદાવાદ તા. ૩ : શહેરમાં કોમન GDCRની કેટલીક જોગવાઇથી નફો રળવા માટે કેટલાંક બિલ્ડરો ફ્લેટ ખરીદનારા ગ્રાહકોને છેતરતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. પહેલા હોલો પ્લીન્થની ગણતરી બિલ્ડિંગની ઊંચાઇમાં થતી હતી જે નવા કોમન જીડીસીઆરમાં ગણાતી નથી. તેવા સંજોગોમાં જુના પ્લાન પાસ કરાવેલી રહેણાંકની ઇમારતોમાં બિલ્ડરોને વધુ એક માળ બાંધવાનો રસ્તો ખુલ્યો છે પણ વધુ એક માળ ખેંચવાની લ્હાયમાં પહેલેથી મકાન ખરીદી બેઠેલા ગ્રાહકોના ફ્લેટના ક્ષેત્રફળમાં કાપ આવી રહ્યો છે.

મ્યુનિ.ના સુત્રો કહે છે કે, બિલ્ડરે પહેલાં ચાર માળની રહેણાંક ઇમારતના પ્લાન પાસ કરાવ્યા હોય તેમાંથી કેટલાંક ફ્લેટ વેચી માર્યા હોય તેવા સંજોગોમાં રિવાઇઝડ પ્લાન મૂકે છે જેમાં એક માળ વધારે ખેંચે છે પણ ચાર માળના બદલે પાંચ માળની ઇમારત કરાય તો GDCRની જોગવાઇ મુજબ સીડી પણ વધુ પહોળી કરવી પડે છે જે માટે મકાનના ક્ષેત્રફળમાં કાપ કરવો પડે છે. આમ ફ્લેટ ખરીદી કર્યા બાદ બિલ્ડર રિવાઇઝડ પ્લાન માટે મકાન ખરીદનાર ગ્રાહક પાસે રિવાઇઝડ પ્લાનની સમંતિનું એફિડેવીટ લેતા હોય છે પણ તેમને એવી ખબર હોતી નથી કે, તેમની સમંતિ બાદ તેમના મકાનના ક્ષેત્રફળમાં ઘટાડો થઇ જાય છે.ચૂંટણી પહેલાં સરકારે શહેરોમાં બાંધકામ માટે કોમન GDCR લાગૂ કર્યો હતો પણ કોમન જીડીસીઆરનો લાભ લેવા માટે કેટલાંક બિલ્ડરો ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. રાજય સરકારે કોમન જીડીસીઆરમાં હોલો પ્લીન્થની ગણતરી બિલ્ડીંગની ઊંચાઇમાં નહીં ગણવાનું ઠેરવ્યું છે જેથી કેટલાંક બિલ્ડરો રિવાઇઝડ પ્લાન કરાવી રહ્યાં છે જેની માટે ફ્લેટ વેચ્યો હોય તે ગ્રાહકો પાસે એફિડેવીટ લેતા હોય છે કે, તેઓને રિવાઇઝડ પ્લાનથી વાંધો નથી. જોકે, મ્યુનિ.ના સૂત્રો જણાવે છે કે, નવ મીટરના રોડ ઉપર પહેલા ચાર માળની રહેણાંક ઇમારત બંધાતી હતી હવે હોલો પ્લીન્થની ગણતરી ન કરવાની હોવાથી વધુ એક માળ ખેંચી શકાય છે પણ અહીં પેચ એવો ફસાયો છે કે, ચાર માળને બદલે પાંચ માળની ઇમારત થાય તો સીડીની પહોળાઇ વધી જાય છે જેથી બિલ્ડરો ગ્રાહકો પાસેથી એક માળ વધારા માટે સંમતિ લે છે પણ તેમના મકાનનું ક્ષેત્રફળ ઘટશે તેવી ચોખવટ કરતાં નથી. આમ કેટલીય સ્કીમોમાં પ્લાન રિવાઇઝડ થઇ રહ્યાં છે જેમાં ગ્રાહકો સાથે છેતરપીંડી થઇ રહી છે.

અમદાવાદ મ્યુનિ.એ નવો  કોમન જીડીસીઆર ૧લી નવેમ્બરથી લાગુ પાડી દીધો છે. શહેરની  કેટલીય ઇમારતોના પ્લાન રિવાઇઝડ કરવા માટેની અરજીમાં વધારો  થઇ ગયો છે. સુત્રો ઉદાહરણ આપતાં જણાવે  છે કે, જુના જીડીસીઆરમાં હોલો પ્લીન્થની ત્રણ મીટરની ઊંચાઇ કુલ  ઇમારતની ઊંચાઇમાં ગણાતી હતી. નવ મીટરની  પહોળાઇના રોડ ઉપર પહેલા હોલો પ્લીન્થ સાથે ચાર માળની  ઊંચાઇની ઇમારત મંજૂર થતી હતી પણ હવે નવા કોમન જીડીસીઆર  પ્રમાણે હોલો પ્લીન્થની હાઇટ કમી કરી દેવાઇ છે એ નવ  મીટરના રોડ ઉપર ચાર માળની ઇમારત મંજૂર થતી હતી જેની અંદર  હવે એક વધારાનો માળ ખેંચી શકાય છે. આમ હોલો પ્લીન્થ સાથે  પાંચ માળની ઇમારતને મંજુરી મળી શકે તેમ છે.

(11:09 am IST)