ગુજરાત
News of Monday, 3rd October 2022

અમદાવાદમાં નવીનકોર મેટ્રો ટ્રેનમાં 4 ઇટાલિયન શખ્‍સો દ્વારા તોડફોડઃ બેરીકેડ તોડયા અને કાચ ઉપર લખાણો લખ્‍યાઃ ધરપકડ

સરકારી મિલ્‍કતમાં નુકશાન કરનારા 4 શખ્‍સો સીસીટીવી ફુટેજને આધારે ઓળખાઇ ગયા

અમદાવાદઃ ભારતમાં આવેલા ચાર ઇટાલિયન નાગરિકોએ અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં તોડફોડ કરી લખાણો લખી સરકારી પ્રોપર્ટીને નુકશાન કર્યુ છે. પોલીસે સીસીટીવીની મદદથી ચારેય શખ્‍સોની ધરપકડ કરી છે.

આજથી અમદાવાદમાં જાહેર જનતા માટે મેટ્રો દોડતી થઈ ગઈ છે. આજે ગાંધી જયંતી પર અમદાવાદીઓ માટે વિધિવત રીતે મેટ્રો ચાલુ થઈ ગઈ છે. લોકોમાં મેટ્રોને લઇ અનોખુ આકર્ષણ છે. ત્યારે પહેલા જ દિવસે કેટલાક વિદેશી નાગરિકોએ મેટ્રો સ્ટેશનને ટાર્ગેટ કર્યુ હતું. ગોમતીપુર એપ્રોચના મેટ્રો પાર્કિંગમાં ચાર વિદેશી નાગરિકો બેરીકેટીગ તોડી અંદર ઘૂસ્યા હતા. તેણે મેટ્રો રેલમાં ગ્રાફિટી બનાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ પોલીસે ચારેય વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

ભારત આવેલા 4 વિદેશી યાત્રીઓએ આજે અમદાવાદ મેટ્રોની બહાર આતંક મચાવ્યો હતો. તેમણે પાર્કિંગ એરિયામાં રાખેલી મેટ્રો કોચના બહારના ભાગે ગ્રાફિટી બનીવા હતી. મેટ્રો ટ્રેનના કોચની બહાર સ્પ્રે કલરથી TATA અને TAS જેવા શબ્દો લખ્યા હતા. મેટ્રોના સિક્યુરિટી જનરલ મેનેજરે આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ લખાણથી સરકારી પ્રોપર્ટીને મેટ્રોને નુકસાન પહોંચાડવાના ઇરાદે કૃત્ય હોવાનું જણાવ્યુ હતું. ક્રાઈમ બ્રાન્ચે CCTV ના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી. જેમાં ચારેય વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં ખૂલ્યું કે, ચારેય વિદેશી નાગરિકો ઈટાલીના છે, અને ટુરિસ્ટ વિઝા પર ગુજરાત આવ્યા હતા. તેઓ એપરલ પાર્કમાં પ્રવેશ્યા હતા. અને તેમણે જ મેટ્રોના કોચ પર TATA અને TAS જેવા લખાણ લખ્યા હતા. ચારેય વિદેશી નાગરિકો મુંબઈમાં પણ આ પ્રયાસ કરી ચૂક્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખીનય છે કે, આજથી અમદાવાદમાં જાહેર જનતા માટે મેટ્રો કાર્યરત કરવામાં આવી છે. લોકોમાં મેટ્રોને લઇ અનોખુ આકર્ષણ છે. મેટ્રોનો પૂર્વથી પશ્ચિમ કોરિડોર આજથી પ્રારંભ થયો છે. તો મોટેરાથી વાસણા APMC નો કોરિડોર 6 ઓક્ટોમ્બરથી પ્રારંભ થશે. ત્યારે આજે મોટી સંખ્યામાં અમદાવાદીઓ પોતાના બાળકોને લઈને પણ મેટ્રોની મુલાકાત માટે પહોંચી રહ્યાં છે. સાથે જ અંદર સેલ્ફી પણ લઈ રહ્યાં છે.

(6:00 pm IST)