ગુજરાત
News of Monday, 3rd October 2022

મહેસાણા જિલ્લાના કસલપુરની સીમમાં ઓએનજીસીના કુવામાં ગેસ લીકેજ થતા અનેક લોકોએ ગામ છોડયુ

હવાના પ્રેસર સાથે લીક થતા દોડધામઃ 300 લોકો અન્‍યત્ર રહેવા જતા રહ્યા

મહેસાણાઃ મહેસાણાના જોટાણા પંથકના કસલપુર ગામની સીમમાં ઓએનજીસીના કુવામાં હવા પ્રેશરથી ગેસ લીકેજ થતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગેસ લીકેજના કારણે લોકોને શ્વાસ અને ગળામાં બળતરાની તકલીફો થવા લાગતા લોકો ગામ છોડીને અન્‍ય જગ્‍યાએ જતા રહ્યા હતા. ઘટના સ્‍થળે તંત્રની ટીમો દોડાવાઇ છે અને આસપાસના રસ્‍તાઓ પોલીસ દ્વારા બંધ કરાયા છે.

જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા કસલપુર ગામની સીમમાં ઓએનજીસી ના કુવા નંબર 377 માં હવાના પ્રેસર સાથે પ્રેસરમાં ગેસ લીકેજ જેવી સ્થિતિ છે અને તેના કારણે કસલપુર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.

કસલપુર ગામમાં ગેસ લીકેજ થી દુર્ગંધ અને શ્વાસમાં તકલીફના કારણે ગામમાંથી અનેક લોકો ઘર છોડી જતા રહ્યા છે અને ગામ અનેક મકાનોને તાળા વાગી ગયા છે અને રસ્તા સુમસામ થઈ ગયા છે. જો કસલપુર ગામના સરપંચની વાત માનીએ તો 300 લોકો ગામ છોડી જતા રહ્યા છે અને યુવાનોએ ગ્રામ પંચયાતમાં ધામા નાખી ઓએનજીસીના કુવામાંથી હવાનું પ્રેસર બંધ થાય અને ગેસ લીકેજની દુર્ગંધ બંધ થવાની રાહ જોઈને બેઠા છે.

કસલપુર ગામ પાસે આવેલી ONGC વેલમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન એકાએક લીકેજ થતા ગેસવાયુ સમગ્ર પંથકમાં ફેલાઈ ગયો હતો. જે મામલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સ્થળે તંત્રની તમામ ટીમો દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ અને ONGC ના કર્મીઓ દ્વારા વેલ પર જવાના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યાં છે. લીકેજના કારણે 2 કિલોમીટર અંદર કોઈ પ્રવેશ કરે તો એ વ્યક્તિને ગળા અને આંખો બળવાની સમય સર્જાઈ છે. તેમજ કોઈ જાનહાનિ ન થાય એ માટે માર્ગો બંધ કરી દેવામાં આવ્યાં છે.

(6:01 pm IST)