ગુજરાત
News of Wednesday, 3rd March 2021

મોબાઇલ ઉપર ગેમ રમતી સગીરા ૧૨મા માળેથી પટકાઈ

દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : માતા-પિતા બાળકોને મોબાઈલ ફોન તો અપાવી દે છે પરંતુ મોબાઈલ ફોન બાળકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે

સુરત,તા.૩ : દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. આજકાલ મોટાભાગના માતાપિતાઓ તેમના સંતાનોને મોબાઇલ ફોન આપી દેતા હોય છે. હાલ કોરોનાની મહામારી દરમિયાન બાળકો અભ્યાસ પણ મોબાઇલ પર કરી રહ્યા છે. જોકે, બાળકોની ઉંમર નાની હોવાથી તેઓ વીડિયો કે પછી ગેમના રવાડે ચડી જતા હોય છે. સુરતમાં સામે આવેલા કિસ્સામાં એક સગીરા મોબાઇલમાં ગેમ રમતાં રમતાં ૧૨મા માળેથી નીચે પટકાતા તેણીનું મોત થયું છે. સગીરા તેના મકાનની બારીની પાળી પર બેસીને ગેમ રમતી હતી. તેણી ગેમ રમવામાં એટલી ડૂબી ગઈ હતી કે નીચે પટકાઈ હતી. આજના ઝડપી યુગમાં પરિવાર પોતાના બાળકોને મોબાઈલ ફોન તો અપાવી દે છે પરંતુ આ મોબાઈલ ફોન બાળકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. કારણ કે બાળકો મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને તેમની આસપાસ શું થઈ રહ્યું છે તેનું પણ ભાન રહેતું નથી. આવી એક ઘટના સુરતમાં સામે આવી છે. મૂળ રાજસ્થાનના ઝાલોદના વતની અને પાલ-ભાઠા રોડ પર બાગબાન સર્કલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં કાપડના વેપારી મુકેશ પુરોહિત પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની સાથે એક ૧૭ વર્ષની દીકરી અને એક પુત્ર છે. મુકેશભાઈની ૧૭ વર્ષની દીકરી પોતાના ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. સગીરા બારીની પાળી પર બેસી મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ થઈ જતાં અચાનક તેણીએ બેલેન્સ ગુમાવી દીધું હતું. જે બાદમાં તેણી ૧૨મા માળે બારીમાંથી સીધી નીચે પટકાઈ હતી. આ બનાવ બન્યો ત્યારે સગીરાના પિતા દુકાને હતા અને માતા બજારમાં ખરીદી કરવા ગયા હતા. કિશોરી નીચે પટકાતા પાડોશી તત્કાલિક દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેણીને હૉસ્પિટલ ખસેડાય હતી. જોકે, સારવાર મળે તે પહેલા જ સગીરાનું મોત થઈ ગયું હતું. બનાવ વખતે ભાઈ-બહેન બંને મોબાઇલ પર ગેમ રમતા હતા. જેમાં ભાઈ પેસેજમાં દોઢ ફૂટના પ્લેટફોર્મ પર બેસીને ગેમ રમતો હતો, જ્યારે તેની બહેન બારીની પાળી પર બેઠી હતી. સગીર દીકરીના અકાળે અવસાનથી આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે પોલીસ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

(9:18 pm IST)