ગુજરાત
News of Wednesday, 3rd March 2021

અમદાવાદ :મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગના બે શખ્શો ઝડપાયા : 21 લોકોને બનાવ્યા નિશાન હતા

બાપુનગરનો રમીઝ શેખ તેમજ ફતેવાડીના સિરાજુદ્દીન શેખની ધરપકડ : ગોમતીપુર, કાગડાપીઠ, માધુપુરા, કાલુપુર અને ખાડિયા સહિતના વિસ્તારોમાં 21થી વધુ લોકો પાસે લૂંટ કરી:

અમદાવાદ : મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ તેમજ કિંમતી વસ્તુઓની લૂંટ કરતાં બે શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પતંગ હોટલ પાસે રોડ ઉપર એક શખ્શને રિક્ષામાં બેસાડી તેની પાસેથી રોકડ રૂપિયા 20 હજારની લૂંટ કરી ત્રણ શખ્શો ભાગી ગયા છે. જે મેસેજના આધારે ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ તપાસ કરી આ લૂંટમાં બાપુનગરનો રમીઝ શેખ તેમજ ફતેવાડીનો સિરાજુદ્દીન શેખ નામનો આરોપી સામેલ હોય તેવી ખાતરી થતાં હતી.

આરોપીઓ જુદી જુદી જગ્યાએ હોટલમાં રોકાતા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી રોકડ તેમજ કિંમતી વસ્તુઓ પડાવી લેવા અને લૂંટ કરી લેતા હોવાની ચોક્કસ માહિતી ક્રાઈમબ્રાન્ચને મળતા. તેમજ આ બંને શખ્શો એસ.ટી સ્ટેન્ડ પાસેનાં મજૂર ગામ પાસે ઊભા હોય તેવી બાતમીના આધારે એક રિક્ષામાંથી રમીઝ શેખ તેમજ સિરાજુદ્દીન નસરુદ્દીન શેખની ધરપકડ કરી છે.

આરોપીઓ પૂછપરછમાં ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે ૨૫મી ફેબ્રુઆરીના રોજ રાત્રે એક પેસેન્જરને રીલીફ રોડથી બેસાડી નેહરુ બ્રિજ તરફ લાવ્યા હતા અને 20,000 રૂપિયાની લૂંટ કરી હતી. ઈસમે વિનંતી કરતાં ભાડાના 1000 રૂપિયા પરત આપ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી લૂંટ કરેલા 16,500 તેમજ ઉપયોગમાં લીધેલી ઓટો રિક્ષા સહિત 1 લાખ 66 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ બન્ને આરોપીઓએ ભેગા મળીને અમદાવાદના ગોમતીપુર, કાગડાપીઠ, માધુપુરા, કાલુપુર અને ખાડિયા સહિતના વિસ્તારોમાં આ રીતે 21 થી વધુ લોકો પાસે લૂંટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ક્રાઈમબ્રાંચે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પોતાના મળતીયા માણસો સાથે મળીને જુદી જુદી હોટેલમાં રોકાતા ઉતારુઓ હોટલની બહાર નિકળતા જ તેઓનો પીછો કરી રિક્ષામાં બેસાડી ચાલુ રિક્ષામાં લૂંટ ચલાવતા હતા..તેમજ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપતા હતા.

(8:43 pm IST)