ગુજરાત
News of Friday, 3rd February 2023

પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ટાળવા બેમાંથી એકે ચૂપ રહેવું જોઇએ

દંપતી વચ્ચેના વિવાદના કેસમાં હાઇકોર્ટની દંપતીને સલાહ

અમદાવાદ,તા. : દંપતી વચ્ચેના લગ્નસંબંધી વિવાદના એક કેસમાં હાઇકોર્ટે સલાહ આપતા એવી માર્મિક ટકોર કરી હતી કે, 'પતિ-પત્નીએ તેમની વચ્ચેના ઝઘડાને ટાળવા માટે બેમાંથી એકે ચૂપ રહેવાનું પસંદ કરવું જોઇએ. ઝઘડા દરમિયાન જ્યારે બેમાંથી એક બોલી રહ્યુ હોય ત્યારે બીજાએ બોલવાનું બંધ રાખવું જોઇએ જેથી વાતનુ વતેસર થાય.'

કેસમાં હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે 'દંપતીએ એકબીજાના કુટુંબ વિશે ગમે તેમ બોલવાનું પણ ટાળવું જોઇએ, જેથી અવારનવારના ઝઘા અને મનદુઃખ ટાળી શકાય.' હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 'જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ શરૃ થાય ત્યારે બંને જણ બોલવા માંડે એટલે શાંતિ હણાઇ જતી હોય છે. બંનેમાંથી એકે ચૂપ રહેવું જોઇએ અને શાંતિ રાખવી જોઇએ. અને બીજાને બોલવા દેવા જોઇએ. એટલું નહીં, ધારો કે કોઇ વિવાદ થાય તો બંનેએ એકબીજાના કુટુંબ વિશે બોલવાનું ટાળવું જોઇએ. જેથી મોટા ઝઘડા થાય.'

હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે, 'દંપતીએ કયારેય પણ બાળકો સામે તો લડાઇ કરવી જ ન જોઇએ. તેમની આવી વર્તણુકના લીધે બાળકના વર્તન અને મનઃસ્થિતી પર અસર થાય છે.' 'ધારો કે દંપતી વચ્ચે કયારેક ઝઘડો થઇ જાય તો તેમણે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે તેઓ બાળકો સામે તો ન જ લડે. અન્યથા બાળકો પણ એવું સમજી લે છે કે આવી વર્તણૂક સામાન્ય છે અને તેઓ પણ ભવિષ્ય પણ આવું વર્તન કરતા હોય છે. તેમના કૂમળા માનસ પર તેની અસર થતી હોય છે, તેથી બાળકોની સામે લડવાનું ટાળવું જોઇએ.'

(10:44 am IST)