ગુજરાત
News of Saturday, 2nd July 2022

જેતપુર-પાવી તાલુકામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમનો ફિયાસ્કો : લોકો દ્વારા બહિષ્કાર કરાતા ખુરશીઓ ખાલી

ભેંસાવહી હાઈસ્કુલ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો સમસ્ત રાઠવા સમાજ વતી ગાંધીચિંધ્યા માર્ગે બહિષ્કાર કરાયો

ગુજરાત સરકાર દ્વારા લોકોના પ્રશ્ન અને મુશ્કેલીઓનો સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવવા માટે વિવિધ વિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આજે જેતપુર-પાવી તાલુકામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમનો લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ભેંસાવહી હાઈસ્કુલ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં માત્ર ખાલી ખુરશીઓ જોવા મળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના યુવક કોંગ્રેસના પ્રમુખ વિષ્ણુ રાઠવા દ્વારા જેતપુર-પાવીના મામલતદારને ગઈકાલે આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં આજે 2 જુલાઈ, શનિવારના રોજ ભેંસાવહી હાઈસ્કુલ ખાતે યોજાયેલા સેવાસેતુનો બહિષ્કાર કરવા બાબતે જાણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર-પાવી તાલુકામાં જાતિના દાખલા મળતા નથી. વર્ષ 1950 પહેલાના અને અત્યારે અશક્ય પુરાવા માંગીને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. જેતપુરપાવીના મામતલદારને આ અંગે લેખિત અને રૂબરુમાં સમાજના પ્રતિનિધિઓ દ્વારા રજુઆત કરાઈ છે. અને આદિજાતિ વિભાગ દ્વારા મામલદારોને રૂબરૂ ગાંધીનગર ખાતે તાલીમ પણ આપેલ છે અને ફરી સુધારો કરીને લેખિતમાં ઓફિસમાં મોકલેલ છે. તેમ છતાં જેતપુર-પાવી મામલતદાર દ્વારા પાલન કરવામાં આવતું નથી.

તેમણે વધુમાં જણાવ્યા અનુસાર રાઠવા જાતિના દૂરદૂરના ગામોમાંથી ગરીબ, અભણ આદિવાસી ભાઈઓ-બહેનો, વિદ્યાર્થીઓ અત્યારે નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવવા માટે જાતિના દાખલો કઢાવવા વારંવાર ધક્કા ખાઈને હેરાન થઈ રહ્યા છે. રાઠવા જાતિના દાખલા માટે પિતા, કાકા, ભાઈનો જાતિ અંગેનો દાખલો તેમજ અન્ય રાઠવા અંગેના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ જેવા મહત્તમ પુરાવાને ધ્યાનમાં લેવામાં આવતા નથી. આ રજૂઆત કરવા છતાં જાતિના દાખલા મળતા નથી. બીજી બાજુ સરકાર દ્વારા લોકોના પ્રશ્નનું સ્થળ પર નિરાકરણ કરવાના શુભ આશયથી સેવાસેતુના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.

પરંતુ વાસ્તવિકતા તો એ છે કે અંદાજિત 2 લાખ થી વધારે વસ્તી ધરાવતા જેતપુર પાવી તાલુકાના 90 ટકા ગ્રામપંચાયતો આદિજાતિ અનામત બેઠકો સાથે રાઠવાનું બાહુલ્ય ધરાવતા સમાજને જાતિના દાખલા કાઢી આપવામાં આવતા નથી. જેથી આ તમામ કારણોસર આજે ભેંસાવહી હાઈસ્કુલ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો સમસ્ત રાઠવા સમાજ વતી ગાંધીચિંધ્યા માર્ગે બહિષ્કાર કરી કરવામાં આવ્યો હતો

(12:30 am IST)