ગુજરાત
News of Saturday, 2nd July 2022

ખેડા-મહેમદાવાદ રોડ નજીક બાઈક-એક્ટિવા વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના મોત

ખેડા:ખેડા-મહેમદાવાદ રોડ પર આવેલ મુક્તજીવન ગૌશાળા નજીક ગઈકાલે ઢળતી સાંજે એક્ટિવા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વિરોલના બે બાઈક ચાલક તેમજ ખેડાના એક્ટિવા ચાલકનું મોત થયું હતુ. આ અંગે ખેડા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગોઝારા અકસ્માતની મળતી માહિતી અનુસાર મહેમદાવાદ તાલુકાના વિરોલમાં રહેતા ઈશ્વરભાઈ ખોડાભાઈ ભોઈ તેમજ તેમના ફળિયામા રહેતા શૈલેષભાઈ ઉર્ફે ગોપાલભાઈ ભોઈ ગઈકાલે ઘરેથી પોતાનું મોટર સાયકલ નં. જીજે-૦૭, એક્યુ-૫૭૦૮ લઈ વિરોલથી ખેડા દર્શન કરવા માટે નીકળ્યા હતા. સાંજે તેમની મોટર સાયકલ ખેડા પાસે મુક્તજીવન ગૌશાળા નજીક આવતા એક્ટિવા ચાલક મોહંમદજૈદ વ્હોરા આગળ જતા વાહનનો ઓવરટેક કરવા જતા એક્ટિવા નં.જીજે-૦૭, સીઆર-૨૮૫૬ સામેથી આવતા બાઈક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈકની પાછળ બેઠેલા ઈશ્વરભાઈ ખોડાભાઈ ભોઈ (ઉં.વ.૪૮)ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક્ટિવા ચાલક મહંમદજૈદ સલીમ વ્હોરા (ઉં.વ.૧૮)નું સિવિલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું તેમજ બાઈક ચાલક શૈલેષભાઈ ઉર્ફે ગોપાલ જશુભાઈ ભોઈ (ઉં.વ.૨૫)ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થ ખેડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વિરોલ ગામના મૃતક ઈશ્વરભાઈ અને શૈલેષ ઉર્ફે ગોપાલ અષાઢી બીજ નિમિત્તે દર્શન કરવા માટે ખોડિયાર માતાજીના મંદિરે જતા હતા. જ્યારે મહંમદજૈદ વ્હોરા ટ્યુશનમાં જતો હતો. આ બનાવ અંગે ખેડા પોલીસે નવઘણભાઈ ખોડાભાઈ ભોઈની ફરિયાદના આધારે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:50 pm IST)