ગુજરાત
News of Saturday, 2nd July 2022

જંબુસર સત્તા કમ્‍પાઉન્‍ડમાં વરસાદી પાણીનો ભરાવો થતા ‘ભજીયા ખાઉ'થી જાણીતા નેતા સામે સુત્રોચ્‍ચાર

શાળાનો રસ્‍તો બ઼ધ થઇ જતા વિદ્યાર્થીઓ દ્વારા રોષભેર રેલી

 

જંબુસરઃજંબુસર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીના ભરાવા વચ્ચે કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાતા આજ સંકુલમાં આવેલી નવયુગ વિદ્યાલયના બાળકોને શાળાએ જવા આવવાનું મુશ્કેલ બન્યું છે. હજી તો ચોમાસાની શરૂઆત છે અને પેહલા વરસાદમાં જંબુસર તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતા સ્થિતિ વિકટ બની છે.

પંચાયતમાં રોજ બરોજ કામકાજ અર્થે આવતા અરજદારો સાથે કર્મચારી અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને પણ કાદવ-કીચડ વચ્ચેથી પસાર થવું જોખમી બની શકે છે. આવામાં કમ્પાઉન્ડમાં નવયુગ વિદ્યાલય આવેલી હોય તેના વિધાર્થીઓને શાળાએ આવવા જતા અકસ્માત સર્જાઈ શકે છે અને પડવા વાગવાનો પણ ભય રહેલો છે.

શાળાએ અવર જવરનો રસ્તો નહીં રહેતા રોષે ભરાયેલા ટ્રસ્ટી સાથે વિદ્યાર્થીનીઓએ શાળામાંથી તાલુકા પંચાયત કચેરી સુધી રેલી કાઢી હતી. જેમાં વિધાર્થીનીઓએ તાલુકા પંચાયત તેરી તાનશાહી નહિ ચલેગીના ભારે સુત્રોચ્ચારો પણ કર્યા હતા.

તાલુકા પંચાયત ખાતે વિધાર્થીઓ અને ટ્રસ્ટીએ તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રસિંહ ચૌધરીને રજુઆત કરી હતી. ટ્રસ્ટીએ ભારે રોષ સાથે આક્રોશ ઠાલવ્યો હતો કે, જંબુસર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા નેતાઓ ભજીયા ખાવા આવે છે. વિદ્યાર્થીઓને કનડતી સમસ્યાનનું ત્વરિત કાયમી નિરાકરણ લાવવા માંગણી કરાઈ હતી.

(5:37 pm IST)