ગુજરાત
News of Saturday, 2nd July 2022

વડોદરાની મનસ્‍વી સલુજા માત્રસ્ત્રીઓ અને કિરણોત્‍સર્ગમાં કરાટે બોક્‍સિંગ સ્‍પર્ધામાં બ્‍લેક બેલ્‍ટથી વિજેતા

મોબાઇલ કે કોમ્‍પ્‍યુટરનો માત્ર દિવસમાં એક જ કલાક ઉપયોગ કરતા

વડોદરાઃ નાની ઉંમરે બાળકો માતા પિતાનું કહ્યું નથી કરતા, ગાંઠતા નથી તેવા કિસ્સાઓતો આપણે અવાર-નવાર સાંભળીએ છીએ. પરંતુ વડોદરાની દિકરીએ નાની ઉંમરે કોઇએ કર્યું હોય તેવી સિદ્ધી મેળવી છે. વડોદરાની મનસ્વી સલુજા માત્ર સાડા આઠ વર્ષની ઉંમરે કરાટે અને કિક બોક્સિંગ બંનેમાં બ્લેક બેલ્ટનો ખીતાબ મેળવવામાં સફળ થઇ છે. ઉદાહરણીય સિદ્ધી પરથી અંદાજો આવે કે જો બાળકોને નાની ઉંમરે યોગ્ય દિશામાં વાળવામાં આવે તો તેઓ અકલ્પનીય પરિણામ મેળવી શકે છે.

મનસ્વી સલુજાની માતા રતિ સલુજાએ વાત કરતા જણાવ્યું હતું કે, મનસ્વીને કરાટેમાં મુકવાનો નિર્ણય મારો અને મારા પતિ ડો. ઇન્દ્રજિતસિંગ નો હતો. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે તેને કરાટે ક્લાસ જોઇન કરાવ્યા હતા. જે બાદ તેની આવડતને જોતા તેના કોચે અમને તેમે કિક બોક્સિંગમાં પણ જોઇન કરાવવા માટેનો આગ્રહ કર્યો હતો. જે બાદ મનસ્વીએ કરાટે અને કિક બોક્સિંગની ટ્રેઇનીંગ શરૂ કરી હતી. આજે પાંચ વર્ષ બાદ તેણે કરાટે અને કિક બોક્સિંગ બંનેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. જે અમારા માતે અત્યંત ખુશીની વાત છે.

તેની સિદ્ધી અંગે વાત કરતા મનસ્વીએ જણાવ્યું કે, મારૂ કોઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ નથી. કરાટે કરવા સિવાયના સમયમાં હું કોમ્પ્યુટર અથવા મોબાઇલ સ્ક્રિનની જગ્યાએ બહાર જવાનું પસંદ કરૂ છું. હું મારા મિત્રો સાથે રમવાનું પસંદ કરૂં છું. પરંતુ તેવું નથી કે હું ફિલ્મો નથી જોતી. મારા શિડ્યુલમાં મારો સ્ક્રિન ટાઇમ નક્કી હોય છે. દિવસમાં એક કલાકથી પણ ઓછા સમય માટે હું કોમ્પ્યુટર અથવા ફોનનો ઉપયોગ કરૂ છું. જેવો સમય થાય કે તુરંત બાજુ પર મુકી દઉં છું.

વધુમાં મનસ્વીએ જણાવ્યું કે, મારા ઘરમાં વાંચવાનું કલ્ચર છે. માતા-પિતા તથા ભાઇ કંઇકને કંઇક ગમતા વિષય પર વાંચવાનું પસંદ કરે છે. જેથી મને પણ વાંચવાનો શોખ છે. હું ત્રણ કલાકનું મુવી ત્રણ દિવસે પતાવું છું. મારા શિડ્યુલનું હું ચુસ્ત પણે પાલન થાય તેવો આગ્રહ રાખું છું. મને ફુરસતના સમયમાં ડાન્સ કરવાનો શોખ છે. સમય મળે યુ ટ્યુબ પરથી ગમતા ડાન્સ સોંગનો વિડીયો જોઇને તેના પ્રમાણે સ્ટેપ્સ શીખવાનો પ્રયાસ કરૂ છું. બાળકોએ કોમ્પ્યુટર અથવા મોબાઇની સ્ક્રિન પર જરૂરથી વધારે સમય બગાડવાની જગ્યાએ મિત્રો સાથે બહાર જવું જોઇએ. અથવા કંઇક નવું શિખવું જોઇએ. હું ભવિષ્યમાં સિવિલ સર્વન્ટ, ડોક્ટર અથવાતો કિક બોક્સીંગના ક્ષેત્રમાં આગળ વધવા માંગું છું.

મનસ્વીની માતા રતિ સલુજાએ વધુમાં જણાવ્યું કે, મનસ્વી રોજ ત્રણ કલાક પ્રેક્ટીસ કરે છે. પરંતુ તેનો અર્થ તેવો નથી કે, તે ભણવામાં ઓછું ધ્યાન આપે છે. મનસ્વીનો દર પરીક્ષામાં -1 ગ્રેડ આવે છે. મનસ્વી નાની ઉંમરે પોતાનું વધારે ધ્યાન રાખે છે. કરાટે અને કિક બોક્સિંગને કારણે તે શારીરીક અને માનસીક બંને રીતે સ્ટ્રોંગ બની રહી છે. તે પોતાના વેઇટ મેનેજમેન્ટનું ખાસ ધ્યાન રાખે છે. અમારે તેને કોઇ કામ નહિ કરવા માટે ટોકવી પડે તેવી સ્થિતી આવતી નથી.

મનસ્વી સલુજાના પિતા ડો. ઇન્દ્રજિત સિંગે જણાવ્યું હતું કે, બાળકોને નાની ઉંમરે સ્પોર્ટસમાં મુકવા જોઇએ. પણ કોઇ પણ વ્યક્તિએ પોતાના ગમતી સ્પોર્ટસ એક્ટીવીટીમાં જોડાવવા માટે ઉંમર જોવી જોઇએ નહિ. સ્પોર્ટસ એક્ટીવીટી માનસીક અને શારિરીક સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.

મનસ્વીના કોચ સિદ્ધાર્થ ભાલેગરેએ જણાવ્યું કે, મનસ્વી લાંબા સમયથી કિક બોક્સિંગ અને કરાટે જોઇન કર્યું છે. તે ડેડીકેટેડ સ્ટુડન્ટ છે. કિક બોક્સિંગમાં મનસ્વિ બ્લેક બેલ્ટ છે. જે ગુજરાતમાં સૌથી યંગેસ્ટ એચીવમેન્ટ છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે, બાળકને જ્યારે કેજીમાં ભણવા મુકો તે સમયે તેને ગમતા સ્પોર્ટસમાં મુકવો જોઇએ. વહેલી ઉંમરે સ્પોર્ટસમાં મુકવાના કારણે તેના સર્વાંગી વિકાસમાં તેનો વધારે ફાયદો જોવા મળે છે.

(5:42 pm IST)