ગુજરાત
News of Saturday, 2nd July 2022

આઝાદી કા અમૃત મહોત્સવ : સિવિલ હોસ્પિટલમાં ૭૫ મું અંગદાન : અષાઢી બીજ ના પવિત્ર દિને ગુજરાતમાં ત્રણ અંગદાન : અમદાવાદ શહેરમાં બે અને રાજકોટમાં એક અંગદાન થકી ૧૧ પીડિતોને સજીવન

અંગદાનની પ્રવર્તી રહેલી જાગૃકતાના પરિણામે ઝડપી કાઉન્સેલીંગ થકી રાજ્યમાં અંગદાનનું પ્રમાણ વધ્યું : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી

રાજકોટ તા.૨ :આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અષાઠી બીજના પવિત્ર દિને ગુજરાતમાં ત્રણ અંગદાન થયા છે.

અમદાવાદ સિવિલમાં ૭૫ મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.ગુજરાતમાં થયેલ ત્રણ અંગદાનમાં ૧૧ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. 

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જીવ થી જીવ બચાવવાના અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં ગઇ કાલે ૭૫ મું અંગદાન થયું. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની વિગત જોઇએ તો 62 વર્ષના અનીતાબેન શાહને બ્રેઇનહેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 30 મી જૂનના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. 

બ્રેઇનડેડ જાહેર થયા બાદ સિવિલ હોસ્પિટલના સર્જન ડૉ. જયેશ પરીખ અને ડ઼ૉ. પુંજીકાબેન દ્વારા બ્રેઇનડેડ અનીતાબેન શાહના પરિજનોને અંગદાનના મહત્વ વિશેની સમજૂતી આપીને તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું. પરિવારજનોએ પણ અંગદાન માટે સંમતિ દર્શાવતા સિવિલ હોસ્પિટલના રીટ્રાઇલ સેન્ટરમાં અનીતાબેન શાહને લઇ જવામાં આવ્યા. 

સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પરિશ્રમ બાદ બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જેના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. 

અમદાવાદ શહેરની કે.ડી. હોસ્પિટલમાં પણ અષાઢી બીજ ના દિવસે ૨૧ વર્ષના શાહીલ દરજી સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ પણ અંગદાનનો નિર્ણય કર્યો. જેમના અંગદાનમાં બે કિડની , એક લીવર અને કોર્નિયાનું દાન મળ્યું છે. 

રાજકોટ શહેરમાં પણ બ્રેઇનડેડ દમંયતીબેન સુતરીયાના અંગદાનમાં મળેલી બે કિડની , લીવર અને આંખોના દાન થકી જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી સમગ્ર વિગતો આપતા જણાવે છે કે, છેલ્લા ઘણાંય સમયથી સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તી રહેલ  જાગૃકતા ના પરિણામે ઝડપી કાઉન્સેલીંગ થી અંગદાનનું પ્રમાણ વધ્યું છે જેના થકી પીડિતોને નવજીવન મળી રહ્યું છે.

-અમિતસિંહ ચૌહાણ

(5:14 pm IST)