ગુજરાત
News of Friday, 2nd June 2023

નડિયાદ:મંજીપુરા નજીક મોર્નિંગ વોકમાં નીકળેલ વૃદ્ધ વેપારીના દાગીના તફડાવી ત્રણ ગઠિયા ફરાર

નડિયાદ: નડિયાદના મંજીપુરા પાસે મોનગ વોકમા નીકળેલ વૃદ્ધ વેપારીને આગળ ગણેશ ચોકડી મર્ડર થયું છે. પી.આઈ.સાહેબ બોલાવે છે કહી પોલીસના સ્વાંગમાં મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા ગઠિયા વૃદ્ધએ પહેરેલા દાગીના કઢાવી રૂપિયા બે  લાખના દાગીના લઈને  ફરાર થઇ ગયા હતા. નડિયાદમાં મંજીપુરા રોડ પર ક્રાઈમ રેસીડેન્સી સોસાયટીમાં હોતુભાઈ ગાગનદાસ ટીકીયાણી નામના વૃદ્ધ વેપારી પરિવાર સાથે રહે છે. તેઓ ઘર નજીક ગત ૮મી એપ્રિલની સવારે મોનગ વોકમા નીકળ્યા હતા. તેઓ સુંદરવન સોસાયટીની પાછળના દરવાજા બાજુ ઊભા હતા. ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓ તેમની પાસે આવી પોલીસ તરીકે પોતાની ઓળખાણ આપી હતી. આ લોકોએ જણાવેલ કે સામે પી.આઇ ચૌહાણ સાહેબ ઊભા છે તેઓ તમને બોલાવે છે તેમજ આગળ ગણેશ ચોકડી જવાના રસ્તા પર ખૂન થયેલ છે. કોઈ ઈસમો મર્ડર કરી શરીર પર પહેરેલ સોનાના દાગીના ઉતારીને લઈ ગયા છે તો તમને ડર નથી લાગતો ? આટલું બધું સોનુ પહેરીને મોનગ વોકમાં ચાલવા નીકળ્યા છો, ચાલો, તમારા શરીર પર પહેરેલ દાગીના ઉતારો, ચાલો તમને પી.આઈ સાહેબ મળવા બોલાવે છે. તેમ કહેતા હોતુભાઈએ ડરના કારણે તેમજ સામે પોલીસ હોવાનું જણાવેલ હોય વિશ્વાસ મૂકી ગળામાં પહેરેલ એક સોનાની ચેઈન આશરે ચાર તોલાની તથા હાથે પહેરેલ સોનાનું કડુ આશરે ચાર તોલાનું અને એક સોનાની રીંગ આશરે એક તોલાની ઉતારીને ખિસ્સામાં મુકવા જતા આ વ્યક્તિઓએ કહ્યું કે તમે પીઆઈને મળી લો, લાવો સોનુ અમને આપી દો તેમ કહ્યું હતું. જેથી હોતુભાઈએ આ સોનાના દાગીના બે વ્યક્તિઓને આપ્યા હતા. અને આગળ મોટરસાયકલ પર એક વ્યક્તિ ઊભો હતો તે પીઆઈ હોવાનું જણાવી તેમની પાસે લઈ જતાં હતા. આ દરમિયાન ઉપરોક્ત બે વ્યક્તિઓ ઝડપથી ચાલવા લાગ્યા હતા. અને હોતુભાઈ પહોચે તે પહેલા જ આ ત્રણેય લોકો કાળા કલરના મોટરસાયકલ પર દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. હોતુભાઈએ આ દાગીનાની કિંમત રૂપિયા બે લાખ હોવાનું જણાવ્યું છે. આમ સવારના પહોરમાં પોલીસનો સ્વાંગમાં આવેલા ત્રણ અજાણ્યા ગઠિયા વૃદ્ધ વેપારીને ડરાવી પી.આઈ.સાહેબ તમને બોલાવે છે કહી સોના ના દાગીના તફડાવી ગયાના બનાવે પોલીસની સલામતીના દાવાની પોલ ખુલ્લી પાડી દીધી છે. આ બનાવ અંગે હોતુભાઈ ગાગન દાસ તિકિયાનીએ નડિયાદ ટાઉન પોલીસમાં પોલીસનાં સ્વાંગમા આવેલા ત્રણ અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:57 pm IST)