ગુજરાત
News of Monday, 2nd May 2022

પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી સાદા, સરળ અને નિખાલસ સ્વભાવના બાળક જેવા નિર્દોષ અને અજાતશત્રુ હતા : પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

સુરત  માનગઢ ચોક પાસે પટેલ સમાજની વાડીમાં અ.નિ. પુરાણી સ્વામીની સ્મૃતિમાં શ્રધ્ધાંજલિ સભા યોજાઇ
સુરત તા. ૨ એસજીવીપી ગુરુકુલ છારોડીના પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતાં, તેમનો અંતિમ સંસ્કાર તેની ઇચ્છા મુજબ ગઢડા ઘેલા કાંઠે કરવામાં આવેલ. ત્યારબાદ તેમના અસ્થિનું વિસર્જન નર્મદા કાંઠે મુરલી સંગમ સ્થાને કરવામાં આવ્યું.
સુરતવાસી હરિભકતોના આગ્રહથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માનગઢ ચોક પાસે પટેલ સમાજની વાડીમાં તેમની શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી
આ સભા પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પુરાણી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પુરાણી સ્વામી  સાદા, સરળ અને નિખાલસ સ્વભાવના બાળક જેવા નિર્દોષ અને અજાતશત્રુ હતા, કોઇ પ્રત્યે રાગ દ્વેષ ભાવ હતો નહી. શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી પ્રત્યે ગુરુભાવ હતો. તેમનું જીવન સદા ભગવત્ પરાયણ હતું. દુન્યવી વાતો તેને ગમતી નહીં.
સામાન્ય રીતે દરેકને પોતાનું ધાર્યુ કરવાની ટેવ હોય છે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે તેમણે પોતાની તમામ ધારણાઓ છોડી દીધી હતી. સ્વામીનું વચન એજ એમનું જીવન હતું.
ભગવાન સ્વામિનારાયણ અહિંસયજ્ઞપ્રસ્તોતા  હતા. ત્યારે ભગવાનના બીરૂદને સંભારી શાસ્ત્રીજી મહારાજે જપયજ્ઞની પરંપરા પ્રવર્તાવી હતી તેજ પરંપરાને પુરાણી સ્વામીએ બરાબર જાળવી રાખી હતી. પુરાણી સ્વામી જ્યારે જ્યારે યજ્ઞ કરતા ત્યારે પોતે યજ્ઞમય બની જતા હતા. છારોડી ગુરુકુલ પરિસરમાં પુરાણી સ્વામીએ કરેલ ૧૧૧૧ એક હજાર અગ્યાર કુંડીનો યજ્ઞ વર્લ્ડ રેકર્ડ છે.
પુરાણી સ્વામીની સ્મૃતિમાં વધારે ભજન થાય તે માટે માધવપ્રિયદાસજી સ્વામીએ જાહેરાત કરી કે સ્વામીની સ્મૃતિમાં ૧૦૮ કરોડ  મંત્રજપ, ૧૧ લાખ જનમંગલ સ્તોત્ર પાઠ, ૭ કરોડ મંત્રલેખન અને ૮૫ ગામડાઓમાં ૮૫ કલાકની અખંડ ધૂન કરવાનું નક્કી કરેલ છે. આ સભામાં  ભક્તિસંભવદાસજી સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી, લક્ષ્મણજીવનદાસજી સ્વામી વગેરે સંતો તથા અરજણભાઇ સાવલિયા, મોહનભાઇ ગાબાણી, મનુભાઇ ગાબાણી, દેવચંદભાઇ પટેલ, નટુભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, બાબુભાઇ ઠુમ્મર, ધીરુભાઇ કથિરીયા, રમેશભાઇ ધોરી, જાનકીદાસ બાપુ, વગેરે હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.
                                                                                                        

 

(6:00 pm IST)