ગુજરાત
News of Friday, 3rd February 2023

સુરત ઓલપાડના પિતા-પુત્રને ₹ 5.78 લાખ વ્યાજે આપી 9 લાખ વસૂલ્યા બાદ કોર્ટ કેસમાં ફસાવી દીધા

30 લાખની માંગણી કરી ચેક રિટર્નનો કેસ કરતા પેરાલિસ પુત્રને લઇ કોર્ટમાં તારીખ ભરી પરત ફરતા રસ્તામાં રોકી ધમકી આપનાર વ્યાજખોરની પોલીસે અટકાયત કરી

સુરત ઓલપાડના પિતા-પુત્રને ₹ 5.78 લાખ વ્યાજે આપી 9 લાખ વસૂલી લીધા બાદ કોર્ટ કેસમાં વ્યાજખોરે ફસાવી દીધા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વરમાં નોંધાઇ છે. 30 લાખ રૂપિયાની માંગણી કરી ચેક રિટર્નનો કેસ કરતા પેરાલિસ પુત્રને લઇ કોર્ટમાં તારીખ ભરી પરત ફરતા રસ્તામાં રોકી ધમકી આપનાર વ્યાજખોરની પોલીસે અટક કરી છે.

 

સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણ ગામ ખાતે રહેતા કિરીટ ભાઈ અંબાલાલ પુરોહિત પુત્ર સંજય પુરોહિત અને પરિવાર સાથે અંકલેશ્વર ખાતે 7 વર્ષ પૂર્વે રહેવા આવ્યા હતા. સાંઈ રેસીડેન્સી ખાતે રહી ભરૂચી નાકા પાસે આવેલ એચ.ડી.એફ.એસ.સી બેન્કના એ.ટી.એમ બાજુ માં ભાડાની દુકાન રાખી સાંઈ જનરલ સ્ટોર શરૂ કર્યો હતો.

 

દુકાન પર મુલકાત અંકલેશ્વર હવેલી ફળીયા ખાતે રહેતા પરેશ જયંતી અમીન જોડે થઇ હતી. જે ત્યાં રોજ બેસવા આવતા હતા. દરમિયાન ધંધો મોટો કરવાની લાલચ આપતા ₹5.78 લાખ લીધા હતા. તેના અવેજમાં આઈ.ડી.બી.આઈ બેંકના કોરા ચેક આપ્યા હતા. વર્ષ 2016 થી 2019 દરમીયાન વ્યાજે રૂપિયા આપ્યા બાદ વ્યાજખોરે રૂપિયાની વસુલાત શરુ કરી ધાક ધમકી આપવાની શરૂઆત કરતા કિરીટભાઈ પુરોહિતએ પિતાની હાંસોટના ધમરાડ ગામ ખાતેની જમીન પર લોન લઇ રોકડ રૂપિયા 9 લાખ આપી દીધા હતા.

 

જે બાદ પણ રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી દરમિયાન વ્યાજે રૂપિયા લેનાર પુત્ર સંજયએ દવા પી આપઘાત કરવાની કોશિષ કરી હતી. બાદ પણ વ્યાજખોર પરેશ એ હજુ 1.25 લાખ રૂપિયા બાકી કહી ઉઘરાણી ચાલુ રાખી હતી. એટલું જ નહિ ચેક બાઉન્સ કરી કોર્ટ કેસ કરવાની ધમકી આપવાની શરૂઆત કરી હતી. કંટાળી ને કિરીટભાઈ પુરોહિત પોતાના પુત્ર સાથે તેની પત્ની અને બાળકોને લઇ દુકાન બંધ કરી પરત પોતાના ગામ મોરથાણ રહેવા જતા રહ્યા હતા.

 

જ્યાં સંજય ટેંશનમાં આવી જતા માનસિક સમતુલા ગુમાવી દીધી હતી ને થોડા સમયમાં પેરાલિસિસ થઇ ગયું હતું. જે બાદ વ્યાજખોર પરેશ અમીને કિરીટ ભાઈ અને તેના પુત્રની પત્ની રોશનીને ફોન પર ધમકી આપવાની શરૂઆત કરી હતી. કોરોના કાળ દરમિયાન 5 મે 2022 ના રોજ ચેકમાં 30 લાખ રૂપિયા લખી ચેક બાઉન્સ કરાવી અંકલેશ્વર કોર્ટમાં ચેક રીટનનો કેસ દાખલ કરી દીધો હતો.

 

જે બાદ પિતા પુત્ર કોર્ટમાં ગત તારીખ 26 મી સપ્ટેમ્બર 2022 ના રોજ તારીખ પર પેરાલિસિસ પુત્રને લઇ તારીખ પર હાજર રહ્યા બાદ તેઓ પરત પોતાના ધરે જઈ રહ્યા હતા. ત્યારે ભરૂચ નાકા પાસે તેમને રોકી પુનઃ ધમકી આપી હતી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી શરુ કરી હતી. જે બાદ પાડોશીઓ અને સગા સંબઘી હિંમત આપતા આ અંગે જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ ને લેખિત ફરિયાદ પોસ્ટ મારફતે મોકલી હતી.

 

જેની તપાસ બાદ અંતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે કિરીટ ભાઈ પુરોહિત એ ફરિયાદ આપતા પોલીસે વ્યાજખોર પરેશ અમીન સામે ગુનો નોંધ્યો હતો. તેની વિરુદ્ધ નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. શહેર એ.ડીવીઝન પોલીસે વ્યાજખોર પરેશ અમીનની વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરુ કરી છે.

(10:47 pm IST)