ગુજરાત
News of Thursday, 1st December 2022

ગોધરામાં ઇમરાન પ્રતાપગઢીની સભામાં વિવાદ AIMIM અને કોંગ્રેસના સમર્થક વચ્ચે મોટી બબાલ

AIMIM પર ટિપ્પણી કરતા હોબાળો : વિવાદ વધતા ઇમરાન પ્રતાપગઢી સભા છોડીને જતા રહ્યા

અમદાવાદ :કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીની ગોધરામાં યોજાયેલી જનસભામાં વિવાદ થયો હતો. જનસભા દરમિયાન AIMIM અને કોંગ્રેસ સમર્થક વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ વધતા ઇમરાન પ્રતાપગઢી સભા છોડીને જતા રહ્યા હતા. આ દરમિયાન AIMIM અને કોંગ્રેસ સમર્થકો વચ્ચે મારપીટ પણ થઇ હતી.

ઇમરાન પ્રતાપગઢી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરવા ગોધરા પહોચ્યા હતા. ગોધરાની આ બેઠક પર મોટી સંખ્યામાં મુસ્લિમ મતદાર છે. AIMIM અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો માનવામાં આવી રહ્યો છે. ઇમરાન પ્રતાપગઢીની જનસભા દરમિયાન મોટી સંખ્યામાં લોકો પહોચ્યા હતા. પ્રતાપગઢીએ જેવા જ AIMIM પર નિશાન સાધ્યુ તે બાદ વિવાદ ઉભો થયો હતો.

સ્થિતિ એવી બગડી ગઇ કે AIMIMના સમર્થકોએ ઇમરાનને ઘેરી લીધો હતો. તે બાદ કોંગ્રેસ અને AIMIM સમર્થકોમાં મારપીટ શરૂ થઇ ગઇ હતી. જોકે, કોંગ્રેસના સમર્થક અને સ્થાનિક નેતાઓએ ઇમરાન પ્રતાપગઢીને બહાર કાઢ્યા હતા અને તે સભા વચ્ચે છોડીને નીકળી ગયા હતા.

ઇમરાન પ્રતાપગઢી કોંગ્રેસના મોટા મુસ્લિમ ચહેરા બનીને ઉભર્યા છે. ઇમરાન ઉર્દૂ અને હિન્દી ભાષાના કવિ અને શાયર છે. 2019 લોકસભા ચૂંટણીમાં તે મુરાદાબાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ તે હારી ગયા હતા. તે બાદ કોંગ્રેસે આ વર્ષે જુલાઇમાં તેમણે મહારાષ્ટ્રથી રાજ્યસભા મોકલ્યા હતા.

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે 89 બેઠક પર મતદાન થઇ રહ્યુ છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે 93 બેઠક પર કરવામાં આવશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

(8:56 pm IST)