ગુજરાત
News of Sunday, 1st November 2020

મતદાન પહેલા કોંગ્રેસે મોટો વિસ્ફોટ સર્જ્યો : ભાજપે 10 કરોડ આપી ધારાસભ્યો ખરીદ્યા : સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર : મોટો ખળભળાટ

પગલાં ભરવાની માંગ કરતા ભારે સનસનાટી : ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવા માગ

અમદાવાદ : રાજ્યમાં  તા. ત્રીજી એ પેટા ચુંટણીઓ થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે આખરી દાવ ખેલી ભાજપે 10 કરોડ આપી કોંગ્રેસના ધારાસભ્યો ની સોદાબાજી કરી હોવાનો સીધો આક્ષેપ કરી અમિત ચાવડા અને સી આર પાટીલ સામે પગલાં ભરવાની માંગ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો છે  ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવા માગ કરી છે.

  રાજ્ય માં 3 નવેમ્બરે 8 બેઠકો પર મતદાન થવાનું છે અને આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જવાના છે. ત્યારે ભાજપ દ્વારા પૈસા આપીને જનપ્રતિનિધિ ખરીદવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનના વીડિયો પણ જાહેર કર્યાં છે. કોંગ્રેસ દ્વારા જણાવાયું છે કે ભાજપ દ્વારા નેતાઓના ખરીદ-વેચાણ અને સોદાબાજી કરવામાં આવે છે. ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે તે સ્ટિંગમાં સોમાભાઈ પટેલ જે જણાવી રહ્યા છે તે સ્પષ્ટ રીતે જોઇ શકાય છેકે કઇ રીતે ભાજપે ધારાસભ્યો સાથે સોદાબાજી કરી છે. કરોડો રૂપિયા આપી રાજીનામા અપાવ્યા છે. આ સોદાબાજીમાં આખી પ્રક્રિયામાં ડીલ કરવામાં  ટોચના હોદ્દેદારોનો ઉલ્લેખ કરાયો છે  તેનાથી સ્પષ્ટ થાય છેકે, ભાજપ દ્વારા જ્યારે તેમના કાર્યો અને નીતિથી પ્રજા વચ્ચે જઇ શકાતું નથી ત્યારે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી આ રીતે સોદાબાજી થાય છે, ધારાસભ્યોના રાજીનામા લેવાય છે અને આ ધારાસભ્યો સાથે સોદાબાજી કરી ફરીથી ટિકિટ આપવા આવે છે.સોમાભાઈ પટેલ વિડીયો માં બોલી રહ્યા છે કે 10 કરોડ થી વધારે કોઈ ને મળ્યા નથી અને પોતાની ભાજપ સાથે ડિલ ચાલતી હોવાની વાત પણ કબૂલાત નજરે પડે છે. આમ આ વીડિયો થી મતદાન પહેલા નું રાજકારણ ગરમાયું છે.

(2:32 pm IST)