ગુજરાત
News of Sunday, 1st November 2020

સુરત હિરાબજારમાં દિવાળી ટાણે જ હોળી સળગી : ૧પ કરોડના હીરા સાથે દલાલ રફુ ચક્કર થતા અનેકની દિવાળી બગડવાના અણસાર

દલાલ ૩૦ જેટલા વેપારીઓનો માલ લઇને નાશી ગયે છે

દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના હીરા બજાર ((Surat Diamond Market) માં ખળભળાટ મચી જવા પામ્યો છે. દિવાળી ટાંણે લગભગ રૂપિયા 15 કરોડનું ઉઠામણું થતા ફફડાટ વ્યાપી ગયો છે. એક દલાલ (Broker) 30 જેટલા હિરાના વ્યાપારીઓ (Diamond)નો માલ લઈને ગાયબ થઈ ગયો હોવાના અહેવાલ છે.

ઉઠામણાએ ફરી એકવાર હીરા બજારમાં ચિતર અને ઠગો સક્રિય હોવાની છાપ ઉભી કરી છે. કોરોના મહામારીના કારણે આપવામાં આવેલા લોકડાઉન (Lockdown) અને હિરાબજારમાં પહેલાથી ચાલી રહેલી મંદીના વચ્ચે ઉઠામણાએ ફરી એકવાર હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના હીરા બજારમાં હીરા દલાલ જાંગડ પર વેચવા આપેલા હીરાનાં પેકેટ લઈને ગાયબ થઈ ગયો હતાં. 2 દિવસ પહેલા હીરા વેપારીઓ પાસેથી વેચાણ માટે હીરાના પડીકા લઈને ગાયબ થયેલા દલાલે રૂ.15 કરોડમાં ઉઠમણું કરી લીધું હોવાની ચર્ચા છે.

ઉઠામણું કરનાર હીરા દલાલ સૌરાષ્ટ્રનો હોવાનું કહેવાય છે. હીરા દલાલ હીરાના તમામ પાર્સલ સાથે ગાયબ થઈ ગયો હતો. જેના કારણે 30થી વધુ વેપારીઓનાં રૂપિયા 15 કરોડથી વધુ ફસાયા હોવાની વાત સામે આવી છે. હજી 2 દિવસ પહેલા મહિધરપુરાનાં એક વેપારીએ રૂ.10 થી 15 લાખના હીરાનું પાર્સલ વેચાણ કરવા માટે દલાલને આપ્યું હતું. જોકે, તે કઈ પાર્ટીને વેચવામાં આવ્યું છે તેની પણ જાણકારી નહીં હોવાના કારણે આવા નાના હીરા વેપારીઓની હેરાનગતિ વધી છે. ઘણાં ચિટર અને ઠગ લોકો હીરા દલાલનાં સ્વાંગમાં માર્કેટમાં ફરી એક્ટિવ થયા છે. જેના કારણે નાના હીરા વેપારીઓએ કોના પર વિશ્વાસ રાખીને વેપાર કરવો તે અઘરો થયો છે.

હીરા બજારમાં ઉઠામણું કઈં પહેલુ નથી. અગાઉ પણ આવા ઘણાં કિસ્સાઓ બની ચુક્યાં છે. કોરોના મહામારી બાદ આ ઉધોગ શરૂ થતાની સાથે સુરત અને મુંબઈમાં મળીને અંદાજિત 500 કરોડ કરતા વધુનાં હીરા લઇને અલગ લાગે વેપારી ઉઠમણાં કરી ચૂકયા છે. પરંતુ કોરોના કાળમાં હીરા બજાર માંડ માંડ કરીને ધીમે ધીમે પાટે ચડી રહ્યું હતું ત્યારે જ ઉઠામણાની આ ઘટનાથી ફરી એકવાર ધક્કો લાગ્યો છે.

(12:02 pm IST)