ગુજરાત
News of Wednesday, 1st September 2021

ગુરુવારથી ધો.12 સામાન્ય પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓના ગુણ ચકાસણી કામગીરી શરૂ

8 સપ્ટેમ્બર સુધી ગુણ ચકાસણી માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકશે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ગુણ ચકાસણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ માટે ઉમેદવારો 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર દરમિયાન ગુણ ચકાસણી માટે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. ગુણ ચકાસણી માટેની ફી પણ ઓનલાઈન જ ભરવા માટે સુચના આપવામાં આવી છે. આમ, જે વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ છે તેઓ ગુણ ચકાસણી કરાવી શકે તે માટે તક આપવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા રદ કરી તેમના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જે મુજબ સ્કૂલોએ બોર્ડને વિદ્યાર્થીઓના ગુણ મોકલી આપ્યા હતા અને બોર્ડ દ્વારા તેના આધારે નિયમિત વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ જાહેર કર્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનુ નક્કી કરાયું હતું. જે મુજબ 15 જુલાઈથી 28 જુલાઈ સુધી ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.

રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા બાદ બોર્ડ દ્વારા તેમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ જાહેર કરાયા બાદ હવે બોર્ડ દ્વારા ગુણ ચકાસણી માટેની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ પરિણામને લઈને સંતુષ્ટ ન હોય તો તેઓ ગુણ ચકાસણી કરાવી શકે તે માટે 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ગુણ ચકાસણી માટે અરજીની નિયત ફી ઓનલાઈન ભરવાની રહેશે તેમ પણ બોર્ડ દ્વારા જણાવાયું છે.

 

(12:13 am IST)