Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વડોદરાના નવાપુરના બુટલેગરને દારૂનો જથ્થો પહોંચાડવા આવેલ નાગરવાડાના વોન્ટેડ આરોપી વિક્રમને પોલીસે 6.31 લાખના મુદામાલ સાથે દબોચ્યો

વડોદરા:શહેરના નવાપુરા વિસ્તારના બુટલેગરને ગત રાત્રે કારમાં વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવા માટે આવેલા નાગરવાડાના વોન્ડેટ આરોપી વિક્રમ મકવાણાની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ૬.૩૧ લાખથી વધુની મતા જપ્ત કરી હતી.

પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો અલ્પુએ તેના સાગરીત મારફત ભરી આપ્યો હોવાની વિગતો મળતા પોલીસે અલ્પુ સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

નવાપુરા પોલીસને ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન માહિતી મળી હતી કે નવાપુરા કહાર મોહલ્લામાં રહેતો બુટલેગર દશરથ ગોવિંદ કહારે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને આ જથ્થો કેવડાબાગ સામે આવેલા અવાવરૂ પડેલા એપીએમસી માર્કેટ ખાતે બલેનો કારમાં આવવાનો છે.

આ માહિતીના પગલે સ્ટાફે ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી અને રાત્રે માહિતી મુજબની એક ગ્રે રંગની બલેનો કાર એપીએમસી માર્કેટના ગેટ પાસે આવતા જ પોલીસ સ્ટાફે કારને કોર્ડન કરી ઝડપી પાડી હતી.

પોલીસે કારચાલકને બહાર કાઢી પુછપરછ કરતાં તે નાગરવાડા નવીધરતીના જુના સ્લમ ક્વાર્ટસમાં રહેતો નામચીન વિક્રમ ધનજીભાઈ મકવાણા હોવાની વિગતો મળી હતી.

પોલીસે કારમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ૨૫૯ બોટલો તેમજ બિયરના ૨૪ ટીન સહિત ૧,૨૭,૨૦૦નો દારૂનો જથ્થો, પાંચ લાખની કાર તેમજ મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂા.૬,૩૧,૧૩૦ની મતા જપ્ત કરી વિક્રમ મકવાણાની ધરપકડ કરી હતી.

(6:10 pm IST)