Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

નડિયાદમાં ટ્રકની હડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળેજ ઢીમ ઢળ્યું

નડિયાદ :ટાઉનમાં હાર્દસમા એક વિસ્તારમાં પુર ઝડપે આવેલી ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું સ્થળ ઉપર પ્રાણ પંખરુ ઉડી ગયુ હતું. આ બનાવને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. પોલીસ ઘટના સ્થળે આવી ફેટલ અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. મળતી વિગતો અનુસાર શહેરના સલુણ બજાર વિસ્તારમાં મહેશભાઈ મનુભાઈ ભોઈ (ઉં.વ.૩૨) રહેતા હતા. તેઓ પોતે શહેરના કમળા રોડ ઉપર આવેલ જીઆઈડીસીમાં નોકરી કરતા હતા. આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ મહેશભાઈ પોતાનું મોટર સાયકલ નં.જી.જે.૭ સી.એફ.૫૪૮૩ લઈને જીઆઈડીસીમાં નોકરીએ જતાં હતા. આ દરમ્યાન શહેરના સોશ્યલ ક્લબ રોડ ઉપર આવેલ શાંતી ફળીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુરપાટે આવતી ટ્રક નં.જી.જે.૯ વાય.૬૪૮૪ના ચાલકે મહેશભાઈના મોટર સાયકલને ટક્કર મારી હતી. આથી મહેશભાઈ બાઈક સાથે રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર રીતે ઘવાયા હતા. તેથી તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં તેઓએ તુરંત શહેર પોલીસને જાણ કરી હતી. જ્યારે ટ્રક ચાલકે પોતાની ટ્રક મૂકી ઘટના સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો હતો. આ અંગે પોલીસે ફેટલ અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. નડિયાદના સરદાર ભવનથી શરૂ થઈને ડાકોર રોડને જોડતો માર્ગ સોશ્યલ ક્લબ રોડ ઉપર ઠેર ઠેર ઝુપડપટ્ટી અને અન્ય લોકોએ દબાણો કરી દીધા છે. જેના કારણે આ રોડ ભારે ગીચતામાં ફેરવાયો છે. જ્યારે આ રોડ ઉપર ભારે ભરખમ વાહનોની અવર જવર હોવાથી ક્યારેક રાહદારી તો ક્યારેક ટુ વ્હિલર વાહનો વચ્ચે અકસ્માતો સર્જાતા હોય છે. છાશવારે બનતા આવા બનાવોને રોકવા માટે આ રોડ ઉપરના દબાણો દુર થાય તેવી માંગ પ્રબળ બની છે.
 

(6:09 pm IST)