Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

અમદાવાદમાં સચિવાલયમાં નોકરી આપવાની લાલચ આપીને 3 વ્‍યક્‍તિઓ સાથે 19 લાખની છેતરપિંડી કરનાર બંટી-બબલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: મહિલા પોલીસ કર્મચારીના પિતા સહિત 3 લોકોને ઠગે સચિવાલયમાં નોકરી અપાવવાનું કહી રૂ.19 લાખની ઠગાઈ આચરી છે. ઠગે ગુજરાત ભરતી બોર્ડના સચિવ એન.કે.દેસાઈની સહી-સિક્કા કરેલી કોપીમાં સરકારી નોકરી અપાવવા પેટે રૂ.12 લાખ લીધા હોવાનું લખાણ આપ્યું હતું.

આ ઉપરાંત ઠગે સચિવાલયમાં કાર ભાડે મુકવાનું કહી મહિલા પોલીસના પિતાની રૂ.17 લાખની કાર દારૂની હેરાફેરી માટે બુટલેગરને આપી હતી. આરોપીએ અન્ય એક યુવકના ડોક્યુમેન્ટ પર રૂ.12 લાખની લોન લઈ છોડાવેલી કાર પોતાની પાસે રાખી હતી.શહેરકોટડા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સરસપૂરના રિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતાં અને માધુપુરા તાવડીપુરમાં બી.એ.પંચાલ એસ્ટેટમાં લક્ષ્મી બફિંગના નામે હિમ્મતભાઈ મણિશંકર જાની (ઉં,44) વેપાર કરે છે. હિમ્મતભાઈએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિજયસિંહ ચંદ્રસિંહ પરમાર અને સેજલ ઉદેસિંહ ભાભોર વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

હિંમતભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓની પુત્રી પૂજા પોલીસ ટ્રેનિગમાં છે, જ્યારે 22 વર્ષના પુત્ર મંથનને સરકારી નોકરી મળે માટે તેઓ પ્રયાસમાં હતા. આ દરમિયાન તેઓના બીજા ફ્લેટમાં ભાડે રહેવા માટે આવેલા વિજયસિંહ પરમારે પોતે પોલીસમાં હોવાનું કહ્યું હતું. વિજયસિંહે હિંમતભાઈને મંથનને નોકરી લગાવી આપશે તેમ કહી રૂ.1.50 લાખ લીધા હતા.વિજયસિંહે પોતાની સાથે રહેતી સેજલને પણ તેઓએ સરકારી નોકરી લગાવ્યાની વાત કરી હતી.

તે પછી આરોપીએ હિંમતભાઈના ભત્રીજાને સરકારી નોકરી અપાવવાનું કહી બીજા 6 લાખ તેમજ મંથનના બીજા 4.50 લાખ લીધા હતા. આ રૂ.12 લાખ સરકારી નોકરી પેટે લીધાનું લખાણ ગુજરાત ભરતી બોર્ડના સચિવ એન.કે.દેસાઈના સહી સિક્કાવાળું આરોપીએ આપ્યું હતું. આ રીતે આરોપીએ મેમનગર ખાતે રહેતાં હાર્દિક શાહને પણ સરકારી નોકરી અપાવવાની ખાતરી આપી તેની પાસેથી રૂ.7 લાખ લીધા હતા.

હિમ્મતભાઈની સોસાયટીમાં રહેતાં નિમિલ મેવાડાના નામે પણ આરોપીએ વિજયા બેન્કમાંથી રૂ.12 લાખની લોન કરાવી કાર છોડાવી હતી. આ કાર નિમિલને આપવાની જગ્યાએ આરોપી વિજયસિંહે પોતાની પાસે રાખી લીધી હતી.આ જ રીતે સચિવાલયમાં કાર ભાડે મુકવાનું કહી હિમ્મતભાઈ પાસે રૂ.17.50 લાખની કાર આરોપીએ લેવડાવી હતી. જે કાર ભાડે લઈ આરોપીએ ત્રણ માસ સુધી 43 હજાર લેખે ભાડું પણ આપ્યું હતું.

હિમ્મતભાઈ પરિવાર સાથે ભાવનગર ગયા હતા. તે સમયે આરોપી વિજયસિંહ અને તેની સાથે રહેતી સેજલ ભાભોર તેઓનું ભાડાનું મકાન ખાલી કરી જતા રહ્યા હતા. બીજી તરફ ભરૂચ LCBમાંથી હિમ્મતભાઈ પર તેઓની કાર દારૂની હેરાફેરીમાં પકડાયાનું સમન્સ આવ્યું, ત્યારે ખબર પડી કે ગાડી સચિવાલયમાં ભાડે નહી પણ દારૂની હેરાફેરીમાં વિજયસિંહે મૂકી છે.

વિજયસિંહને ફોન કરતા તેણે ગાડી છોડાવવાની જવાબદારી લીધી બાદમાં હિમ્મતભાઈએ નોકરીની વાત કરતા આરોપીએ મારા ઓળખીતા સચિવ બદલાઈ ગયા છે, પણ હું નોકરીનું ગોઠવી દઈશ તેમ કહી સચિવની સહી સિક્કા વાળું લખાણ આપવાની વાત કરી હતી.

જે બાદમાં આરોપીએ ભરતી બોર્ડના સચિવ એન.કે.દેસાઈની સહી સિક્કાવાળું બોગસ લખાણ આપ્યું હતું. જેમાં સરકારી નોકરી પેટે રૂ.12 લાખ લીધાનું લખાણ હતું.

વિજયસિંહ અને સેજલ બન્નેએ પોતાની અને અન્ય લોકો સાથે ઠગાઈ આચર્યાની વિગતો ખુલતા હિમ્મતભાઈએ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

(5:08 pm IST)