Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર કોર્પોરેશનની બેદરકારીના કારણોસર ગેસ લાઈન તૂટી જતા એક લાખથી વધુ લોકોને પરેશાની

વડોદરા:કોર્પોરેશન દ્વારા ખોદાતા ખાડા દરમિયાન સેવાતી બેદરકારીના કારણે શહેરમાં અનેક વાર ગેસ લાઇનો તેમજ પાણીની પાઇપો લીકેજ થવાના બનાવો બને છે.પરંતુ આમ છતાં કોર્પોરેશનના તંત્ર ઉપર તેની કોઇ અસર પડતી નથી.

ચાર દિવસ પહેલાં આજવા રોડ વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન લીકેજ થવાથી બહાર કોલોની અને આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા.જ્યારે બે દિવસ પહેલાં ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં ખોદેલા ખાડાનું યોગ્ય રીતે પુરાણ નહીં થતાં કોર્પોરેશનની સિમેન્ટની પાઇપો લઇ જતો ટેમ્પો ફસાયો હતો.

વાઘોડિયારોડ વિસ્તારમાં કલાદર્શન ચાર રસ્તા પાસે લાંબા સમયથી ચાલી રહેલા ડ્રેનેજના કામના કારણે ખોદકામ કરાયું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કામગીરી દરમિયાન કલાદર્શન ચાર રસ્તા પાસે ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં વાઘોડિયારોડ,રામવાટિકા,સ્કાય માર્ક એવન્યૂ,ડભોઇ રોડ સહિતના વિસ્તારોમાં  કલાક સુધી ગેસ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો અને એક લાખથી વધુ લોકો હેરાન થયા હતા.

(4:48 pm IST)