Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

આણંદ:કેનેડાના વિઝાના નામે બે લાખ પડાવી ઠગાઈ આચરનાર બોરસદની મહિલાના જામીન અદાલતે નામંજૂર કર્યા

આણંદ: બોરસદની મહીલાએ અન્ય આરોપીઓ સાથે મળીને ટેક્ષટાઈલ ઉધોગમાં કામ કરતાં ફરિયાદીને વિદેશના વિઝાના નામે બેંક ખાતામાંથી 1.99 લાખ પડાવી લીધા હતા
સુરતના ટેક્સટાઈલ  ઉધોગમાં કામ કરતા ફરિયાદીને કેનેડાના વિઝાના નામે લાલચ આપીને બેંક ખાતામાંથી રૃ.1.99 લાખ ગપચાવી જવાના ગુનાઈત કારસામાં સરથાણા પોલીસે જેલભેગી કરેલી આરોપી મહીલાની જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ પી. એસ. કાલાએ નકારી કાઢી છે.
મૂળ ભાવનગર ગારીયાધારના વતની તથા ટેક્ષટાઈલ માર્કેટમાં સાડી હેન્ડવર્કનું કામ કરતાં ફરિયાદી નરેશકુમાર કેશવ કળથીયા (રે.ભગવાનનગર,સરથાણા જકાતનાકા)એ મૂળ આણંદ તાલુકાના બોરસદ તાલુકાના ભાદરણના વતની આરોપી હર્ષિદાબેન આશિષકુમાર પટેલ (રે.હરસિધ્ધિ નગર,સેકટર-24 ગાંધીનગર)તુર્ક સાજીદ અલીમહોમદ(રે.ભોયવાડા, વેરાવળ ગીર સોમનાથ)સહિત અન્ય આરોપી વિરુદ્ધ કેનેડાના વિઝાના નામે 1.99 લાખ પડાવી લેવાના ગુનાઈત કારસા બદલ ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદીએ ફેસબુક પર વિદેશ જવા પાસપોર્ટ વિઝાની જાહેરાત જોઈ ગૌરવ નામની વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો.ત્યારબાદ આરોપી હર્ષિદાબેન પટેલે પોતાની ઓળખ અંકિતા તરીકે આપીને ફરીયાદીના એચડીએફસીના બેંક ખાતામાં જીરો બેલેન્સથી જોઈન્ટ તથા પર્સનલ ખાતા ખોલાવી એટીએમ કાર્ડથી 1.99 લાખ ઉપાડી લીધા હતા.
આ કેસમાં સરથાણા પોલીસેગુનાઈત ઠગાઈ તથા આઈટી એક્ટના ભંગ બદલ આરોપી હર્ષિદા પટેલની ધરપકડ કરી જેલભેગી કરી હતી.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી મહીલાની જામીન મુક્ત કરવાની માંગના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.આ ગુનાના અન્ય આરોપી હજુ પોલીસ પહોંચથી દુર હોઈ આરોપીને જામીન મળે તો ફરી આવા ગુનામાં સંડોવાયે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી હર્ષિદા પટેલના જામીનની માંગને નકારી કાઢી હતી.

 

(4:38 pm IST)