Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

થાનગઢના જામવાડીના 1200 વર્ષ પ્રાચીન શિવ મંદિરમાં ખોદકામ બાદ પુરાતત્વ ખાતાની ટીમ તપાસ માટે દોડી

--  પુરાતત્વથી રક્ષીત મંદિરમાં ખજાનો હોવાની આશાએ શિવલીંગ અને પોઠીયાની જગ્યાએ ખોદકામ કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ: તપાસ કરવા આવેલી ટીમને ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી

ફોટો

થાનગઢના જામવાડી ગામમાં આવેલા 1200 વર્ષ જુના મુનીની દેરીના નામે ખોળખાતા અને પુરાતત્વથી રક્ષીત મંદિરમાં ખજાનો હોવાની આશાએ શિવલીંગ અને પોઠીયાની જગ્યાએ ખોદકામ કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.આ બનાવના અહેવાલોને પગલે ઘટનાના 72 કલાક બાદ રાજકોટથી પુરાતત્વ વિભાગ ટીમ આવી તપાસ કરી હતી. જે રીપોર્ટ હવે ગાંધીનગર પુરાતત્વ વિભાગ ડેપ્યુટી કમીશ્નરને સોપશે.

થાનગઢના જામવાડી ગામમાં આવેલા 1200 વર્ષ જુના મુનીની દેરીના નામે ખોળખાતા અને પુરાતત્વથી રક્ષીત મંદિરમાં ખજાનો હોવાની આશાએ શિવલીંગ અને પોઠીયાની જગ્યાએ ખોદકામ કરવાનો બનાવ બન્યો હતો. આટલુ ઐતિહાસીક ધરોહર સમુ મંદિર તુટતા લોકોએ શિવલીંગનીતો ફરીથી સ્થાપના કરી પરંતુ પુરાતત્વ વિભાગની બેદરકારી સામે રોષની લાગણી ફેલાઇ હતી.

 આ અંગેના અહેવાલોને પગલે ઘોરનિંદ્રામાંથી પુરાતત્વ વિભાગ જાગ્યુ હતુ. જ્યારે બનાવના 72 કલાક બાદ રાજકોટ પુરાતત્વ વિભાગના 5 લોકોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં માત્ર એક કલાક જેટલા સમયમાં મંદિરની અંદર નુકશાનની તપાસ કરી હતી.જ્યારે ફર્સ્ટ પર્સનનું નિવેદન લઇ રીપોર્ટ પુરો કર્યો હતો.

 આ અંગે રાજકોટ પુરાતત્વ વિભાગના એ.એમ.રામાનુંદે જણાવ્યુ કે આ બનાવની તપાસ અંગે અમોએ ઘટના સ્થળની મુલાકાત લઇ સ્થળ તપાસ કરી રીપોર્ટ બનાવ્યો છે. જે સોમવાર સુધીમાં અમારા ગાંધીનગર પુરાતત્વ વિભાગના ડેપ્યુટી કમીશ્નરને રીપોર્ટ મોકલી આપવામાં આવશે.તેઓ જે આગળના પગલા લેવાનું જણાવશે તે મુંજબ કાર્યવાહી કરાશે

 આ દરમિયાન પુરાતત્વ વિભાગ ટીમ સાથે વિશ્વ હિન્દુ પરિષદના બકુલસિંહ રાણા, બજરંગદળના સત્પાલસિંહ ઝાલા, ગામના હરીભાઇ માલધારી, વાહણભાઇ માલધારી હાજર રહ્યા હતા.
  જામવાડી મંદિરે બનેલા બનાવની તપાસ કરવા આવેલી ટીમને ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી.જેમાં આ બનાવમાં સંડોવાયેલા લોકોને શોધી કાઢી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. જ્યારે આ ઐતિહાસિક મંદિરને ફરી રીપેરીંગ કરવા માટે પણ માંગ કરી હતી.જો તેમાં જરૂર પડે તો સમારકામમાં સહભાગી થવા માટે પણ તૈયારી બતાવવામાં આવી હતી.

(11:24 am IST)