Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કપડવંજમાં ઉછીના આપેલા પૈસા માગતા માથાકૂટ થઈ

ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો : કપડવંજની સજન દેવીપૂજક નામની મહિલાએ ઉછીના આપેલા પૈસા ગીતાબેન દેવીપૂજક પાસે માગવા ગયા હતા

ખેડા,તા.૩૦ : કપડવંજમાં રહેતાં સજનબેન દેવીપૂજક નામની મહિલાએ ઉછીના આપેલા પૈસા ગીતાબેન દેવીપૂજક પાસે માગવા ગયા હતા. ત્યાં ગીતાબેનના પતિ ધમાભાઈએ સજનબેનના પતિ અને નણંદને ધારિયું મારતાં કપાળે અને પગે ગંભીર રીતે વાગતાં લોહી નિકળી ગયું હતુ. જેને લઈ તાત્કાલિક ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સજનબેન દેવીપૂજકની ફરિયાદમાં જણાવ્યાનુસાર ગત સાંજે ચાર વાગ્યાની આસપાસ સજનબેન અને તેમની નણંદ ટીનાબેન જમાલપુરથી નિકળી મહમંદઅલી ચોક નજીક જતાં હતા.

આ દરમિયાન ગીતાબેન, ધમાભાઈ દેવીપૂજક, શૈલેષભાઈ પશુ માટેનો પાલો(ચારો) વેચતાં હતાં. આ સમયે ગીતાબેનની પાસે જઈ સજનબેને ઉછીના આપેલા પૈસા માંગતા ગીતાબેન ચીડાઈ ગયાં હતાં, અને પૈસા માંગનાર સજનબેને ગાળો બોલતાં બોલતાં કહેવા લાગ્યા હતા કે તું પૈસા શેના માગે.  એકદમ ઉશ્કેરાયેલા ગીતાબેન ફરિયાદી સજનબેનને માર મારવા લાગ્યા હતા.

ગીતાબેનનું ઉપરાણું લઈ તેમના પતિ ધમાભાઈ નજીકમાંથી ધારિયું લઈને આવી ગયા હતા. ફરિયાદી સજનબેનને મારવા જતાં તેમના નણંદ ટીનાબેન વચ્ચે પડતાં તેમને કપાળે ગંભીર ધારિયાની ઈજાઓ પહોચી હતી. બુમાબુમ કરતાં નજીકમાં રહેલા શૈલેષભાઈએ ઝઘડો શાંત કરાવવાને બદલે તે પણ સજનબેન અને ટીનાબેનને ગળદાપાટું માર મારવા લાગ્યા હતા. એટલામાં સજનબેનના પતિ આવી વચ્ચે પડતાં તેમને પણ ધમાભાઈ નામના આરોપીએ પગના ભાગે પારિયું મારતાં નીચે ઢળી પડ્યા હતા. ત્યાં નજીકના સ્થાનિક લોકોએ આવીને મારનો ભોગ બનારને બચાવી ઝઘડો શાંત પાડ્યો હતો.

જેને લઈ તાત્કાલિક ૧૦૮ મારફતે સજનબેના પતિ અને નણંદને કપડવંજની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સજનબેને કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:20 pm IST)