Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

દક્ષિણ ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થશે: ગુજરાતમાં પહેલો વરસાદ અને રોહિણી નક્ષત્રનો યોગ : અંબાલાલ પટેલ

જુલાઇમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળે તેવી શક્યતા: આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની આગાહી

અમદાવાદ : રાજયમાં બદલાતા વાતાવરણ વચ્ચે હવે એક બાદ એક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસું શરૂ થવાનો સાનુકૂળ સમય છે. સાથે જ જુલાઇમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી જેની સાથે ગુજરાતમાં પહેલો વરસાદ અને રોહિણી નક્ષત્રનો યોગ હોવાનું જણાવ્યુ હતું. મહત્વનુ છે કે સાનુકૂળ સંજોગો રહેશે તો દક્ષિણ ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ શરૂ થશે તેવું પણ જણાવ્યુ છે. 17 થી 20 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ શરૂ થવાની આગાહી પણ અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.

 જુલાઇના પ્રારંભે સમગ્ર ગુજરાતને ચોમાસુ આવરી લેશે. હાલમાં વરસાદની શરૂઆત તો થઈ ચૂકી છે પરંતુ જૂન અને જુલાઇમાં સારો વરસાદ થવાની શક્યતાઑ વ્યક્ત કરવામાં આવી છે. જોકે ઓગસ્ટમાં વરસાદ ખેંચાય તેવી શક્યતા અંબાલાલ દ્વારા વ્યક્ત કરાઇ છે. વાવાઝોડાની વાત આવે ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળે છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે તેમ અંબાલાલનું કહેવું છે.

(11:52 pm IST)