Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

G-20ની ભારતની અધ્યક્ષતાના ભાગરુપે અમદાવાદને પહેલીવાર અર્બન-20 બેઠકનું યજમાનપદ

G-20 સમિટના અર્બન-20 બેઠકમાં ભાગ લેવા અમેરિકા, જાપાન, ઈટલી, ફ્રાન્સ સહિતના 20 દેશોનું ડેલિગેશન આવશે અમદાવાદ

Ahmedabad: G-20 સમિટના ઉપલક્ષ્યમાં આગામી 9-10 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અર્બન-20 અંતર્ગત સિટી શેરપા ઈન્સેપ્શન બેઠક યોજાશે. આ બેઠકમાં સામેલ થવા માટે 20 આંતરરાષ્ટ્રીય શહેરોમાંથી ડેલિગેશન અમદાવાદ આવશે. જેમા અમેરિકા, જાપાન, ઈટાલી અને ફ્રાન્સ સહિતના દેશો સામેલ છે.

G-20ની ભારતની અધ્યક્ષતાના ભાગરુપે અમદાવાદને પહેલીવાર અર્બન-20 બેઠકનું યજમાનપદ પ્રાપ્ત થયું છે. આ બેઠકના ભાગરુપ આગામી 9-10 ફેબ્રુઆરીએ સિટી શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. આ બેઠકમાં સામેલ થવા માટે 20 આંતરરાષ્ટ્રીય શહેરોએ તેમનું ડેલિગેશન મોકલવાની સંમતિ આપી છે. આ શહેરોમાં ન્યૂયોર્ક, ટોકિયો, મેડ્રીડ અને મિલાનનો પણ સમાવેશ થાય છે. અમેરિકા, ફ્રાન્સ તથા ઇટલીની સાથે આર્જેન્ટિના, બ્રાઝિલ, નેધરલેન્ડ્સ, સ્પેન, તુર્કી, ઇક્વાડોર જેવા દેશોના શહેરો આ યાદીમાં સામેલ છે.

આગામી 9-10 ફેબ્રુઆરીએ અર્બન-20 અંતર્ગત સિટી શેરપા બેઠક બાદ જુલાઇ 2023માં અર્બન-20ના મેયરની બેઠક યોજાશે. ક્લાઇમેટ-40 અને યુનાઇટેડ સીટિઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્સની સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા અર્બન-20 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જી-20 હેઠળ આગામી 9 મહિનામાં રાજ્યમાં 14 વિવિધ બેઠકો યોજાશે. હાલમાં જ ગાંધીનગર ખાતે બિઝનેસ-20ની એક બેઠક યોજાઈ હતી.

અમદાવાદ, સુરત, કેવડિયા અને ધોરડો સહિતના સ્થળે અન્ય 14 બેઠકો આગામી દિવસોમાં રાજ્યમાં યોજાશે. કચ્છના ધોરડોમાં 7થી 10 ફેબ્રુઆરી દરમિયાન ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક યોજાશે. એ પછી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં અર્બન-20 ઇન્સેપ્શન બેઠક યોજાશે. બી-20 અંતર્ગત બીજી બેઠક સુરતમાં 13 અને 14 માર્ચના રોજ થશે. એ પછી એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક તથા એનર્જી વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ગાંધીનગરમાં મળશે. આ બેઠકો માર્ચ અને એપ્રિલ દરમિયાન યોજાશે.

અમદાવાદમાં 29 અને 30 મેના રોજ અર્બન-20 સમિટ મળશે. બાદમાં કેવડિયામાં 19 જૂનથી 21 જૂન દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક મળશે. બાકીની 6 બેઠક ગાંધીનગરમાં યોજાશે, જેમાં ફાયનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝની ત્રીજી બેઠક (21થી 23 જૂન), ફાયનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ગવર્નર્સની ત્રીજી બેઠક (24 અને 25 જુલાઇ), હેલ્થ વર્કિંગ ગ્રુપ બેઠક (2-3 ઓગસ્ટ), મિનિસ્ટેરિયલ હેલ્થ વર્કિંગ ગ્રુપ (4 ઓગસ્ટ), વુમન એમ્પાવરમેન્ટ અંગેની મિનિસ્ટેરિયલ બેઠક (9-10 ઓગસ્ટ) તથા ઇન્ટરનેશનલ ફાયનાન્સ આર્કીટેક્ચર વર્કિંગ ગ્રુપની ચોથી બેઠક (29 અને 30 સપ્ટેમ્બર) સામેલ છે.

(8:41 pm IST)