Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

અમદાવાદની સાબરમતી નદીમાં સતત વધતા પ્રદુષણને લઇને પોલ્‍યુશન કન્‍ટ્રોલ બોર્ડ આકરા પાણીએઃ જુદા-જુદા બહાના બનાવી જવાબદારીમાંથી છટકતુ કોર્પોરેશન

દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી સામેલ

અમદાવાદઃ અમદાવાદની સાબરમતી નદી છેલ્લા કેટલાય સમયથી આ નદી ચર્ચાના ચકડોળે ચઢેલી છે, અને તેનુ કારણ છે નદીમાં વિવિધ ઠેકાણેથી સતત ઠલવાઇ રહેલુ દૂષિત અને કેમિકલ યુક્ત પાણી તેમજ આજ મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી. સમગ્ર મામલામાં અનેકવાર ગુજરાત હાઇકોર્ટ આ વિષય સાથે સંકળાયેલા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત શહેરના વટવા, ઓઢવ, નરોડા, નારોલ, દાણીલીમડા-બહેરામપુરા, પીપળજ સહીતના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગો આડેહાથે લઇ ચૂકી છે. પરંતુ તમામ પક્ષકારો ઇસકી ટોપી ઉસકે સરના સુત્રને સાર્થક કરતા હોય એમ એકબીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા છે.

અમદાવાદની આગવી ઓળખ અને ધરોહર સાબરમતી નદી દિન-પ્રતિદીન પ્રદૂષિત થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના અત્યાર સુધીના ભાજપી શાષકોએ નદી શુદ્ધ કરવા માટે કરેલા દાવા અને વાયદા કર્યાં હતા જે પોકળ સાબિત થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ નદીમાં મોટી માત્રામાં સુઅરેજ વોટર છોડવામાં આવી રહયું છે. તેવી જ રીતે જી.આઈ.ડી.સી ટર્મીનલ પરથી કેમીકલયુકત પાણી પણ ટ્રીટ કર્યા વિના જ “બાયપાસ” થાય છે. જેના પરીણામે નદીમાં જીવલેણ બેકટેરીયાની માત્રા વધી રહી છે. જેનો ભોગ ૪૦ કરતા વધુ ગામના ખેડૂતો અને રહીશો બની રહ્યાં છે.

કેન્દ્રીય પોલ્યુશન બોર્ડ દ્વારા નદીના પાણીમાં “બાયોલોજીકલ ઓકસીજન ડીમાન્ડ”અને“કેમીકલ ઓકસીજન ડીમાન્ડ”ના જે પેરામીટર નકકી કરવામાં આવ્યા છે. તેના કરતા અનેકગણા વધુ માત્રામાં BODઅને COD સાબરમતીના પાણીમાં હોવાનું પ્રમાણિત થઈ રહ્યું છે. પીરાણા 180 એમએલડી પ્લાન્ટના વિવાદ બાદ હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે સાબરમતીનું પાણી પીવાલાયક રહ્યું નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે નદીનું પાણી પીવાલાયક તો ઠીક નાહવા લાયક પણ રહ્યું નથી. દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો સમાવેશ થાય છે. જેનું મુખ્ય કારણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી હોવાનું માનવામાં આવે છે. કોર્પોરેશને સુઅરેજ વોટર ટ્રીટમેન્ટ માટે ૮૦૦ એમએલડી ક્ષમતાના કુલ રપ પ્લાન્ટ બનાવ્યા છે. તેમ છતાં દૈનિક ૩૦૦ થી ૪૦૦ એમએલડી સુઅરેજ વોટર ડાયરેકટર નદીમાં છોડવામાં આવે છે. જેના પરીણામે નદી પ્રદુષિત થઈ રહી છે. તેમાં જીવલેણ બેકટેરીયાનું પ્રમાણ વધી રહયું છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પેરામીટર મુજબ એક લીટર પાણીમાં વધુમાં વધુ ૧૦ મીલીગ્રામ BOD અને પ૦ મીલીગ્રામ COD હોવા જાઈએ. જેની સામે સાબરમતી નદીમાં BOD અને COD ની માત્રા અનેકગણ વધુ છે.

શહેરમાં સાબરમતી નદીનો જે સ્થળેથી પ્રવેશ થાય છે. તે સ્થળે બીઓડીનું પ્રમાણ ઓછુ છે જયારે લેમન ટ્રી હોટલ ખાનપુર પાસે બીઓડીનું પ્રમાણ માત્ર ૭ છે જયારે સીઓડીનું પ્રમાણ ૩૬.૭૬ છે જે એકદમ સામાન્ય છે. જયારે શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડીનું પ્રમાણ પપ૦ અને સીઓડીનું પ્રમાણ ૧૪પ૦ મીલીગ્રામ સુધી થઈ જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રીટ કર્યા વગર જે સુએરજ વોટર બાયપાસ કરવામાં આવે છે. તેમાં બીઓડી અને સીઓડીની માત્રા અનેક ગણી વધારે છે. પીરાણા ૧૦૬ એમએલડીમાં બીઓડી ૪પ અને સીઓડી ૭૮.૭ર પીરાણા ૧૮૦ એમએલડી આઉટલેટમાં બીઓડી ૧ર૦ અને સીઓડી ર૬૭.૯પ, બીઓડી ૧૦૩ અને સીઓડી ર૧ર.પ૪, ૧૦૬ અને ૬૦ એમએલડીની કોમન ચેનલના આઉટલેટમાં બીઓડી ૧૦૪ અને સીઓડી ર૧ર.પ૪ જયારે પીરાણા ટર્મીનલ પર બીઓડી ૧૭પ અને સીઓડી ૩૭૭.૮પ હોવાની વિગતો બહાર આવી છે.

ચોંકાવનારી બાબત એ છે કે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ સ્ટ્રોમ વોટર લાઈનોમાં પણ કેમીકલના પાણી છોડવામાં આવે છે જુની બે સ્ટ્રોમ વોટર લાઈનમાં શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડી પપ૦ અને સીઓડી ૧૪૪૮ જયારે નવી બે સ્ટ્રોમ લાઈનમાં શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડી ૧૬પ અને સીઓડી ૩૮પ છે. તંત્રની બેદરકારીના પરીણામે જ એસટીપીમાંથી ટ્રીટ થયેલ સુઅરેજ વોટરમાં બીઓડીની માત્રા વધુ હોવાનું સાબિત થયું છે. તેથી સાબરમતી નદીનું પાણી પીવા કે ખેતીમાં ઉપયોગ કરવા લાયક તો નથી જ પરંતુ સીપીસીબીના પેરામીટર સાથે સરખામણી કરીએ તો સાબરમતી નદીનું પાણી નાહવા લાયક પણ રહ્યું નથી.

એએમસીની સેન્ટ્રલ લેબોરેટીમાં પૃથ્થકરણ થયા બાદ આ રીપોર્ટ સામે આવ્યા છે, જેમાં નિયમ પેરામીટર કરતા વિવિધ ઘટકો અને દૂષિત પદાર્થોનુ પ્રમાણ અનેક ગણુ જણાયુ છે. એએમસીએ જે બે સ્થળેથી વોટર સેમ્પલ લીધા હતા તે પાણી, પૂર્વના વિવિધ ઉદ્યોગો દ્વારા તમામ ધારાધોરણ પૂર્ણ કરીને ટ્રીટમેન્ટ કર્યા બાદ સાબતમતી નદીમાં છોડવાનુ હોય છે. પરંતુ નદીના જે પાણી ઠલવાય છે એ પાણીના એએમસીએ લીધેલા સેમ્પલ તેમજ તેના સામે આવેલા રીપોર્ટ ઘણુ બધુ કહી જાય છે.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું વિવિધ ઉદ્યોગો તેમજ પ્રોસેસિંગ યુનિટો દ્વારા નદીમાં પાણી છોડવાના નિયત ધારાધોરણનો અમલ નથી કરાઇ રહ્યો, કે પછી ટ્રીટમેન્ટ કર્યા બાદના પાણી અને નદીમાં ઠલવાતા પાણી પહેલા ક્યાંક ગેરકાયદે રીતે કેમીકલવાળા પાણીના કનેક્શન કરી દેવાયા છે? નોંધનીય છેકે સમગ્ર મામલો રાજકીયા રીતે ખૂબજ વિવાદીત બનેલો છે. આજ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર સુધી રાજકારણ ગરમાયેલુ છે. કોંગ્રેસના એએમસી વિપક્ષી નેતા પણ આ મુદ્દે ભાજપ શાષકોને દોષિત ઠેરવી રહ્યા છે. તો આજ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરનાર સ્થાનીક કોંગ્રેસી ધારાસભ્ય પણ સરકારને દોષિત ઠેરવી રહ્યા છે.

ગુજરાત હાઇકોર્ટે આ વિષયની સુનાવણી દરમ્યાન સતત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ ઔદ્યોગિક એસોસીએશનને આડે હાથે લીધે રાખ્યા છે. પરંતુ સરકારી તંત્ર વિવિધ કામગીરીની આંટીઘૂંટી બતાવીને સતત પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. અને આખરે આ પ્રક્રીયામાં દૂષિત થઇ રહી છે સાબરમતી નદી.... ત્યારે પ્રશ્ન એક જ થાય, કે આખરે જવાબદાર કોણ.

(5:07 pm IST)