Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વલસાડમાં ભદેલી જગાલાલામાં આવેલા નૂતનનગર વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં શિકારી દીપડો કેદ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ

સીસીટીવી કેમેરામા દીપડો ઘર પાસે આવી વૃક્ષની ડાળી ઉપર બેસેલી મરઘીનું મારણ કરતાં નજરે ચડ્યો હતોઃ વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી પાંજરું લગાવવાની તજવીજ હાથ ધરી

વલસાડ: વલસાડમાં ભદેલી જગાલાલામાં આવેલા નૂતનનગર વિસ્તારમાં મળસ્કે સ્થાનિક રહીશના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં શિકારી દીપડો કેદ થતાં સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સમગ્ર ઘટનાની જાણ વલસાડ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી હતી. જે બાદ આજરોજ બપોરના સુમારે વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી પાંજરું લગાવવાની તજવીજ હાથ ધરી છે.

ભદેલી જગાલાલાના નુતન ફળિયા ખાતે રહેતા કાંતિભાઈ હરિભાઈ ટંડેલના ઘરે બહારના ભાગે વહેલી સવારે વૃક્ષની ડાળી તૂટેલી જોવા મળતા શંકાના આધારે તેમણે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી કેમેરામા દીપડો ઘર પાસે આવી વૃક્ષની ડાળી ઉપર બેસેલી મરઘીનું મારણ કરતાં નજરે ચડ્યો હતો. ગતરોજ મળસ્કે 4:30 વાગે બનેલી ઘટનામાં લીલાપુર કોસ્ટલ હાઇવે તરફથી દિપડો ગામમાં આવ્યો હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. દીપડો આવ્યો હોવાની વાત ગામમાં વાયુવેગે ફેલાતાં આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.

(1:04 am IST)