Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સાબરમતી વિસ્તારમાં બે એક્ટિવા ઉપર આવેલા ચાર શખ્સે એક્સિડન્ટ કરી વેપારી પાસેથી ૯૦ હજારની મતા લૂંટી રફુચક્કર

ચાર શખ્સ પૈકી એક શખ્સે ચપ્પું કાઢીને વેપારી પાસેથી સોનાના દાગીના, મોબાઈલ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ લૂટ કરી હતીઃ પોલીસે આ મામલે ગુનો વધુ તપાસ હાથ ધરી

અમવાદાવાદઃ સાબરમતી વિસ્તારમાં બે એક્ટિવા ઉપર આવેલા ચાર શખ્સે એક્સિડન્ટ કર્યો છે તેમ કહી વેપારીને માર મારીને ૯૦ હજારની મતા લૂંટી ફરાર થઇ ગયા છે.

વેપારી પાસેથી સોનાના દાગીના, મોબાઈલ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ લઇ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

રાણીપમાં રહેતા અને દિપાલી કંપનીના માલિક પારસભાઈ શાહે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પારસભાઈ સાંજના સમયે તેમનાં એકિટવામાં પેટ્રોલ પુરાવીને જઈ રહ્યા હતા. સાંજના સાત વાગ્યાની આસપાસ બાઈક પર આવેલા ચાર શખ્સે પારસભાઈના એક્ટિવા આગળ તેમનું બાઈક ઊભું કરી દીધું હતું. ચાર શખ્સમાંથી એક શખ્સે પારસભાઈને કહ્યું હતું કે તમે એક્સિડન્ટ કેમ કર્યો તેમ કહીને એક્ટિવાની ચાવી કાઢી લીધી હતી.

પારસભાઈને એકિટવા પર બેસાડીને વીમા યોજનાના દવાખાના તરફ લઇ ગયા હતા. પારસભાઈની બોચી પકડી તેમનું મોઢું દબાવી દીધું હતું. ચારેય શખ્સે પારસભાઈને લાફા ઝીંકીને મૂઢ માર માર્યો હતો. ચાર શખ્સ પૈકી એક શખ્સે ચપ્પું કાઢીને પારસભાઈ ધમકાવ્યા હતા. ચાર શખ્સે પારસભાઈ પાસેથી સોનાના ચેઇન, વીંટી, મોબાઈલ, પર્સ મળી કુલ ૯૦ હજારની મતા લૂંટી લીધી હતી.
ચારેય શખ્સ કહ્યું કે હવે એક્ટિવા લઈને જતો રહે નહિતર એક્ટિવા પણ લઈ લઈશું. આમ કહેતાં પારસભાઈ ડરી ગયા હતા. પારસભાઈને શરીર પર ઇજા થઇ હોવાથી ફરિયાદ કરી ન હતી. પરંતુ ગઈ કાલે તેમેણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

 

(12:03 am IST)